પર્વ સંદેશ:250 તપોવની બાળકોનો પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શક્તિમાન બનવા કરતા ગુણવાન બનવાનો પ્રયત્ન કરજો ઃ રાજરક્ષિતવિજયજી મ.સા.

નવસારી તપોવનમાં પૂ. હંસબોધિવિજયજી, પંન્યાસ રાજરક્ષિતવિજયજી આદિ મુનિવૃંદની પાવન નિશ્રામાં 250 તપોવની બાળકોએ મકરસંક્રાંતિના પૂર્વે પક્ષીઓની રક્ષા માટે પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ કર્યો હતો. પતંગની મજા કેટલાય પક્ષીઓ માટે મોતનો ફંદો બને છે. પોતાના બચ્ચાઓ માટે ચણ લેવા નીકળેલ ચકલી કે કબૂતર પતંગના દોરાથી કપાઈ જાય છે ત્યારે માળામાં રહેલા બચ્ચા મા..મા કરતા મોતને શરણ બને છે. પતંગ એટલે પક્ષીઓને તંગ (ત્રાસ) કરે. ઉત્તરાયણના તહેવારમાંથી પણ મસ્ત સંદોશો પ્રાપ્ત થાય છે.

દુકાનમાં રહેલી લાલ, પીળી, બ્લ્યુ, ગ્રીન પંતગો કેવા પ્રેમથી હળીમળીને રહેતી હોય છે પણ જ્યારે ઉડવાની શક્તિ આવે છે ત્યારે મુક્ત ગગનમાં મહાલવાને બદલે એકબીજાને કાપવામાં દિલચશ્પી ધરાવે છે. એક નાના ઘરમાં ચાર-પાંચ ભાઈ-બહેનો બાળપણમાં કેવા પ્રેમથી રહેતા હોય છે. એકબીજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી પરંતુ મોટા થતા મેકોલેનું ડિગ્રી પ્રધાન શિક્ષણ લઈને સ્વાર્થને સાધતા પરિવારજનો પ્રોપર્ટી, સંપત્તિ માટે કેવા કોર્ટમાં ઝઘડતા હોય છે.

મકરસંક્રાંતિ પર્વ કહે છે કે, શક્તિમાન બનવા કરતા ગુણવાન બનવાનો પ્રયત્ન કરજો, શક્તિમાન આલોકમાં પૂજાય છે જ્યારે ગુણવાન ત્રણ લોકમાં પૂજાય છે. દોરી સાથે જોડાયેલો પતંગ જ આકાશમાં મસ્તીથી ઉડી શકે છે. દોરીથી સંબંધ તોડનારો પતંગ લથડીયા ખાતો કાંટાની વાડમાં, કાદવમાં, કે આગમાં પડી નાશ પામે છે. જે ભક્ત પ્રભુ આજ્ઞા સાથે જોડાયેલો રહે છે તેના જીવનમાં શાંતિ-સમાધિ પ્રસન્નતાની મસ્તી હોય છે. પ્રભુ આજ્ઞા સાથે નાતો તોડનારને આજીવનમાં અસમાધિ પરલોક દુર્ગતિ પ્રાપ્ત થાય છે.

ઉત્તરાયણથી પ્રકાશનું મહત્વ વધે છે
રાજરક્ષિતવિજયજીએ કહ્યું કે, મકરસંક્રાંતિ એટલે સૂર્યનું દક્ષિણમાંથી ઉત્તર તરફ પરિભ્રમણ થવું તેને ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણથી દિવસ મોટો થતો જાય છે અને રાત્રિ ટૂંકી થાય છે. આનો મતલબ એવો થાય છે કે ઉત્તરાયણથી પ્રકાશના મહત્ત્વમાં વધારો થાય છે. જ્યારે અંધકારનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે.

અન્ય સમાચારો પણ છે...