તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:નવસારીમાં 2.5, જલાલપોરમાં 4 ઈંચ વરસાદ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજથી નવસારી સહિત સમગ્ર દ. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ
  • 11 થી 13 જૂન દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી

નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11મી જૂનથી વિધિવત ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે. મુંબઈમાં વરસાદ પડ્યા બાદ હવે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે મધ્યમથી ભારે વરસાદની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે ગુરૂવારે રાત્રિના સમયે નવસારી અને જલાલપોર તાલુકામાં 2.5 થી 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ નવસારીમાં ગુરુવારે મોડી રાત્રિ દરમિયાન પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો. જલાલપોરમાં 100 મિમી (4 ઈંચ), નવસારીમાં 62 મિમી (2.5 ઈંચ), ખેરગામમાં ગુરૂવારે સવારે 13 મિમી, ગણદેવીમાં 6 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચીખલીમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. નવસારી અને જલાલપોરમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યું હતું.

વરસાદ પડતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. મોડી રાત્રિ દરમિયાન પડેલા વરસાદને પગલે ચોમાસાનું આગમન થયું હોય તેવું લોકોને પ્રતિત થયું હતું. ભારતીય મોસમ વિભાગની આગાહી અનુસાર 11 જૂનથી ચોમાસાની ઋતુનો વિધિસર પ્રારંભ થશે અને 11થી 13મી જૂન દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

નવસારીમાં તાપમાન 3.8 ડિગ્રી ઘટી 30.5
નવસારીમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 3.8 ડિગ્રી ઘટી 30.5 ડિગ્રી નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાનમાં પણ 3.5 ડિગ્રીનો ઘટાડો થઈ 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે ભેજનું પ્રમાણ 96 ટકા અને સાંજે 85 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન પ્રતિ કલાક 9.6 કિ.મી.ની ઝડપે દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...