ડર વિના પરીક્ષા આપો:ધો-10ના 21134 અને ધો-12ના 13441 છાત્રો કોરોના બાદ પ્રથમ વાર પરીક્ષા આપશે

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં પરીક્ષા ઉત્સવ આજથી શરૂ
  • ધો-10માં પ્રથમ પેપર માતૃભાષાનું, ધો-12માં એકાઉન્ટ અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન

નવસારી જિલ્લામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા આજથી પરીક્ષાનો આરંભ થઈ જશે. જેમાં છાત્રો કોઈ પણ જાતની મુશ્કેલી અને ડર વિના પરીક્ષા આપે તેવું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ધોરણ 10ના 21, 134 છાત્રો 49 કેન્દ્ર અને ધોરણ 12ના 13,441 છાત્રો કોરોના મહામારી બાદ પ્રથમ વાર પરીક્ષા આપશે.

નવસારી જિલ્લામાં પણ કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 34575 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 10નું પહેલું પેપર માતૃભાષાનું રહેશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. પહેલું પેપર એકાઉન્ટનું અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ભૌતિક વિજ્ઞાનનું પેપર બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન લેવાશે. આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નિયમો મૂકવામાં આવ્યા છે, જેનુ કડકાઈથી પાલન કરવામાં આવશે. નવસારીમાં છાત્રો ભય વગર બોર્ડની પરીક્ષા આપશે.

છાત્રો માટેના નિયમો
પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે. બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે. પરીક્ષાના સમયમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે. પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો અપાશે. પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે, કોઈપણ જાતના વિજાણુ ઉપકરણ સાથે પ્રવેશ મળશે નહીં. વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચંપલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે. પરીક્ષા સ્થળોમાં સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...