લોકોની આતુરતાનો અંત:વિજલપોર માટે અતિઉપયોગી 21 એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તેમજ વોટર એટીએમનું લોકાર્પણ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું

નવસારીના વિજલપોર વિસ્તારમાં રૂા. 12 કરોડ 98 લાખના ખર્ચે નિર્મિત 21 એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તેમજ વોટર એટીએમનું નવસારીના સાંસદ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારી - વિજલપોર નગરપાલિકાના વિજલપોર વિસ્તારમાં આવેલા ચંદન તળાવ ખાતે 21 એમ. એલ. ડી ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ અને જલાલપોર તાલુકા પંચાયત મકાનનું ખાર્તમહૂર્ત કરવામાં આવ્યું હતું.

નવસારીની મધુર જળ યોજના અંતર્ગત નવસારીના લોકોને મીઠું પાણી અપાઈ રહ્યું છે. જયારે નવસારી-વિજલપોર નગરપાલિકાના વેજલપોર વિસ્તારમાં ચંદન તળાવ ખાતે નિર્મિત અંદાજિત રૂ. 12 કરોડ 98 લાખના લાખના ખર્ચે નિર્મિત 21 એમ. એલ. ડી ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિજલપોર વિસ્તાર માટેની પાણીની યોજના માટે નહેરનું પાણી રામનગર વિસ્તારમાં આવેલા ચંદન તળાવમાં ઠાલવવામાં આવશે. અહીંના ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી એક લાખ લોકોને અપાશે. આ પ્રસંગે નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિજલપોર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે.

21 એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારીના નગરજનોને ખૂબ જ લાભ થશે. પાણીની સમસ્યાને પહોંચી વળવા રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. નવસારી જિલ્લામાં ટુંક સમયમાં કાકરાપાર ડેમમાંથી પાણી મળી રહેશે.

આ ઉપરાંત દમણગંગાનું પાણી પણ નવસારી જિલ્લાને મળશે. પીવાનું શુધ્ધ પાણી લોકોને મળી રહે તે માટે રાજય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. રાજય સરકાર દ્વારા આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરી રહ્યો છે.

આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે, 21 એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં હવે પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ થશે. હવે લોકોને ઘરે ઘરે પીવાના પાણી મળી રહેશે. આવનારા દિવસોમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો હાથ ધરાશે.

નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહે મહેમાનોને આવકાર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, જીગ્નેશભાઇ, અશ્વિનભાઇ, રણજીતભાઇ સહિત, નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ/પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપિસ્થત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...