કોરોના કહેર:નવસારીના ઈટાળવામાં વધુ 2 પોઝિટિવ, પોલીસ કર્મચારીના પુત્ર-પુત્રીને પણ કોરોના, 11 દિવસમાં જ 17 કેસ

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉન 4.0 માં સેમ્પલ દીઠ કોરોનાના કેસમાં 7 ઘણો વધારો

નવસારી નજીકના ઈટાળવા ગામે રહેતા પોલીસમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હેમંત સૂર્યવંશીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પુત્ર અને પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

નવસારી તાલુકાના ઈટાળવા ગામે રહેતા હેમંત ગમનલાલ સૂર્યવંશીનો કોરોના વાઈરસનો રિપોર્ટ 27મી મે એ પોઝિટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે રહેતા પરિવારજનોના સેમ્પલ પણ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. આ સેમ્પલનો રિપોર્ટ 28મીને રાત્રે આવી ગયો હતો. જેમાં તેમના 19 વર્ષીય પુત્ર ક્રિપેશ અને 17 વર્ષીય પુત્રી ધ્રુવીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે તેમની પત્નીના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વધુ 2 કેસની સાથે નવસારી જિલ્લામાં કોરોના (કોવિડ-19)ના કેસની કુલ સંખ્યા 25 થઈ ગઈ છે. વધુ બે કેસની સાથે હવે નવસારી ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કેસ પણ 5 થઈ ગયા છે. ઈંટાળવા એકજ ગામમાં 3 કેસ થયા છે. ઈંટાળવાના જે વિસ્તારમાં કેસ બહાર આવ્યા એ સમીર ગાર્ડનને કોર્ડન કરી કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરાયો છે. શુક્રવારે આરોગ્ય વિભાગે કોરોના ચકાસણી માટે વધુ 58 સેમ્પલ લીધા હતા. નવસારી જિલ્લામાં લોકડાઉન 4.0માં અગાઉના ત્રણ લોકડાઉનના સેમ્પલની સરખામણીએ  કોરોનાના કેસમાં લગભગ  7 (6.7 ઘણો) ઘણો વધારો થયો છે.

પ્રથમ ત્રણ લોકડાઉનમાં દર 268 સેમ્પલની સામે 1, લોકડાઉન 4.0માં 40 સેમ્પલે જ 1 કેસ
25 માર્ચથી 18 મે સુધીમાં ત્રણ લોકડાઉનમાં કોરોનાની ચકાસણી માટે મોકલેલા  2149 સેમ્પલના રિઝલ્ટ આવ્યા હતા, જેમાં 8 કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ દર 268 સેમ્પલે 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 19મીથી 29 મે સુધીમાં જ લોકડાઉન 4.0માં 679ના રિઝલ્ટ આવ્યા છે અને તેમાં 17 કેસ પોઝિટિવ આવ્યા છે.હજુ 31 મે સુધી લોકડાઉન છે. આમ દર 40 સેમ્પલે જ 1 કેસ પોઝિટિવ આવ્યો છે. સેમ્પલ દીઠ આવેલ કેસને અગાઉના ત્રણ લોકડાઉનની સરખામણીએ લોકડાઉન 4.0માં જોતા 6.7 ઘણો (લગભગ 7 ઘણો) વધારો થયો છે, જે જિલ્લા માટે હવે ચિંતાનો વિષય છે.

મુખ્ય કારણ અવરજવરમાં અપાયેલી છૂટછાટ

લોકડાઉન 4.0માં કોરોનાના કેસો ઝડપથી વધવાનું કારણ અપાયેલ છૂટછાટ છે. નવસારી જિલ્લામાં મુંબઈ સહિત રાજ્ય બહારના અને જિલ્લા બહારના અનેક લોકો આવ્યા છે. જેમાં મુંબઈથી આવેલ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...