પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રાજ્યમાં 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં ખોટી રીતે 186 કરોડ રૂપિયાની સહાય લઈ ગયાની જાણકારી મળી છે. ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક યોજના નામે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. 6 હજાર ત્રણ સમાન હપતામાં સહાય ‘ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર’ માધ્યમથી ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો, જે દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લાગુ પડી હતી અને નક્કી થયા બાદ થોડા જ સમયમાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની ચાર માસિક સહાય ચૂકવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
1.82 લાખથી વધુ ખેડૂતો લાભ લેતા હતા
જોકે આ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં કેટલીક શરતો પણ લાગુ કરાઈ હતી અને આ શરતોમાં સામેલ હોય તેમને સહાય મળનાર ન હતી. આમાંની જ એક મહત્ત્વની શરત હતી ‘છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવેલો હોય તેવા કરદાતા’ આ સહાય મેળવવાપાત્ર ન હતા. આમ છતાં આવકવેરો ભરેલો હોય તેવા પણ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી સહાય લઈ રહ્યા છે, જેનો એક-બે મહિના અગાઉ ‘ભાંડો’ ફૂટ્યો હતો. મળતી માહિતી મુજબ રાજ્યના તમામ 33 જિલ્લામાં અંદાજે 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં પીએમ કિસાન સમ્માન નિધિની સહાય લઈ રહ્યા હતા. આ ખેડૂતોને રાજ્યમાં કુલ 186 કરોડ જેટલી મોટી રકમ સરકારી તિજોરીમાંથી મળી છે.
સરકારે રિફંડ લેવાની પ્રકિયા શરૂ કરી
કિસાન સમ્માન નિધિનું પોર્ટલ તથા આવકવેરા કરદાતાનું પોર્ટલ (ટેક્સ ભરનારાની યાદી) જોતાં આ ભાંડો ફૂટ્યો હતો. આમ તો દરેક જિલ્લામાંથી આવા ખેડૂતો ગેરપાત્રતા ધરાવતા હોવા છતાં સહાય લઈ ગયા હતા, પરંતુ જે જિલ્લામાં સંખ્યા વધુ છે એમાં ભાવનગરમાં 18 હજારથી વધુ, અમરેલીમાં 17 હજારથી વધુ, મહેસાણામાં 14 હજારથી વધુ, રાજકોટમાં 13 હજારથી વધુ ખેડૂતોને સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આજદિન સુધીમાં રાજ્યમાં 5થી 6 જેટલા 2 હજાર રૂપિયાના હપતા ચૂકવાઈ ગયાની માહિતી છે. આવા સહાય લીધેલ ‘ગેરપાત્રતા ધરાવતા ખેડૂતો’ને સરકારે એસએમએસ (SMS) કરી દીધા છે તથા ચૂકવેલી રકમ ‘રિફંડ’ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
જિલ્લાવાર ખોટી સહાય મેળવનારા ખેડૂતોની સંખ્યા
અમદાવાદ | 6857 |
અમરેલી | 17166 |
આણંદ | 5100 |
અરાવલી | 3765 |
બનાસકાંઠા | 7780 |
ભરૂચ | 4674 |
ભાવનગર | 18020 |
બોટાદ | 5796 |
છોટાઉદેપુર | 941 |
ડાંગ | 52 |
દેવભૂમિ દ્વારકા | 1866 |
દાહોદ | 1129 |
ગાંધીનગર | 7884 |
ગીર-સોમનાથ | 2533 |
જામનગર | 6514 |
જૂનાગઢ | 5300 |
કચ્છ | 9767 |
ખેડા | 3984 |
મહેસાણા | 14741 |
મહીસાગર | 1641 |
મોરબી | 5010 |
નર્મદા | 758 |
નવસારી | 1965 |
પંચમહાલ | 1351 |
પાટણ | 7115 |
પોરબંદર | 1245 |
રાજકોટ | 13766 |
સાબરકાંઠા | 6655 |
સુરત | 4017 |
સુરેન્દ્રનગર | 5377 |
વડોદરા | 6263 |
વલસાડ | 2306 |
બાંયધરી અપાઈ હતી છતાં…
આ યોજનામાં લાભાર્થી ખેડૂતોએ કેટલીક બાંયેધરી આપી હતી, જેમાં એક ‘છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમ ટેક્સ ચૂકવેલા કરદાતા’ હોવાની સ્થિતિમાં ગેરપાત્રતા ધરાવતા હશે એમ સ્વીકાર્યું હતું. ખોટી રીતે લાભ લીધો હોવાનું માલૂમ પડશે તો સરકાર તરફથી મેળવેલા ‘લાભની વસૂલાત’ અને અન્ય કાયદાકીય કાર્યવાહી સહિતની કોઈપણ કાર્યવાહી માટે ‘હું જવાબદાર રહીશ’ એ અંગેની તેમણે બાંયધરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.