તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસનું પુનરાવર્તન:નવસારી નગરપાલિકા સંચાલિત 18 શાળાઓ હજુ બંધ છે પણ ઓનલાઇન અભ્યાસ સાથે શેરી શિક્ષણની શરૂઆત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ નવા સત્રમાં પ્રવેશ બાદ છાત્રો માટે બે માસ સુધી બ્રિજ કોર્સનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે

નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કોરોનાના કારણે બીજા વર્ષે માસ પ્રમોશન આપ્યા બાદ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. નવસારી-વિજલપોર પાલિકાની 18 શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઇન શિક્ષણની સાથે શેરી શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. શાળા બંધ છે શિક્ષણ નહીં ત્યારે નવસારી-વિજલપોરની દરેક શાળામાં છાત્રોને સમજાવવા માટે ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે.

નવા સત્રથી આગળના ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બ્રિજ કોર્સ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ આગળના ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓ માટે પાછલા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જે-તે ધોરણના અભ્યાસક્રમની સમજ પુનરાવર્તન, મહાવરાની મદદથી બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેશ જ્ઞાનસેતુ સાહિત્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ધોરણ 1 માટે શાળા તત્પરતા, ધોરણ 2 અને 3 માટે વર્ગ તત્પરતા, ગુજરાતી અને ગણિત, ધોરણ 4 થી 8 માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સત્રની શરૂઆતમાં સરકાર મારફતે અભ્યાસક્રમ અને સાહિત્ય નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ,નવસારીની શાળામાં પહોંચતું કરવામાં આવ્યું છે. આ અંગેની તાલીમ શિક્ષકોએ બાયસેગ માધ્યમ દ્વારા લીધી છે. શાળાઓ કોરોના મહામારીને કારણે શરૂ થઈ નહીં હોવાને કારણે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને શેરી શિક્ષણ એમ બંને પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત 18 શાળાના 4000 જેટલા છાત્ર ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ લઈ રહ્યાં છે.

10 જુલાઇ સુધી બ્રિજ કોર્સનો અભ્યાસ કરાવાશે
નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત 18 શાળાના 4000 છાત્રને ઓફલાઇન અને ઓનલાઇન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. હાલમાં છાત્રોને બ્રિજ કોર્સ (જૂના કોર્સનું રિવિઝન) દ્વારા અવગત કરવામાં આવશે. 10 જુલાઈ બાદ નવા કોર્સનું ભણતર શિક્ષકો દ્વારા ચલાવવામાં આવશે. > ભૂમિકા પટેલ, શાસનાધિકારી, નવસારી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...