તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:શહેરના 621 હાઇરાઇઝ બિલ્ડીંગ સંચાલકોને 15 દિ’નું અલ્ટીમેટમ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી-વિજલપોર પાલિકાના સભાખંડમાં ફાયર સેફટી મુદ્દે સીઓની સ્કૂલ, વાડી, જીમ, હોસ્પિટલ સંચાલકો સાથે બેઠક
  • પાલિકાએ પાઠવેલ 651 નોટિસ પૈકી 30 સંચાલકોએ કામગીરી શરૂ કરી, હવે એનઓસી નહીં તો વિજળી અને નળ કનેકશન કપાશે

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા હાઇરાઇઝ, ઈમારત, હોસ્પિટલ, જીમ, વાડીઓમાં જ્યા લોકોની વધુ અવરજવર થતી હોય ત્યાં ફાયર સેફટી ફરજીયાત હોય એ બાબતે પાલિકા સભાખંડમાં ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં મિલકતદારોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 651 પૈકી માત્ર 30 મિલકતદારોએ જ ફાયર એનઓસી લીધી છે. જ્યારે અન્ય બાકી હોય તેમને સમજણ આપવામાં આવી હતી અને કન્સલ્ટન્ટના નામની યાદી આપી હતી. સભામાં એક મિલકતદારે જણાવ્યું કે કન્સલ્ટન્ટ દ્વારા એસ્ટીમેન્ટ કાઢવામાં આવે ત્યારે 25 થી 35 હજારનો વ્યવહાર કરવો પડે તેમ જણાવતા સભામાં સોપો પડી ગયો હતો. આ બાબતે ચીફ ઓફિસરે આવા કન્સલ્ટન્ટનું નામ આપવાની સાથે પગલાં લેવા પણ જણાવ્યું હતું.

નવસારી વિજલપોર નગરપાલિકા સભાખંડમાં 100થી વધુ મિલકતદારોની મળેલી સભામાં ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે ફાયર એનઓસી કેમ જરૂરી છે તે માટે માહિતી આપી હતી અને જણાવ્યું કે ફાયર સેફટીનું કામ 15 દિવસમાં થઇ જાય છે, જે માટે જરૂરી નવસારી અને સુરતના કન્સલ્ટન્ટના નામ અને મોબાઈલ નંબરની યાદી આપી હતી. વધુમાં જણાવ્યું કે જયાં લોકોની અવરજવર વધુ થતી હોય તેવા સ્થાનોમાં વાડી, જીમ્નેશિયમ, હોસ્પિટલ, શાળા અને 15 મીટરથી ઉંચી ઇમારત હોય તેમને માટે ફાયર સેફટી ફરજીયાત છે. ઉપરાંત 500 ચોમી.થી વધુ બાંધકામવાળા ઇન્સ્ટ્રીયલ વિસ્તારમાં પણ ફાયર સેફટી ફરજીયાત બનાવી છે.

હાલમાં 15 દિવસમાં ફાયર સેફટી માટે દરેક મિલકતદારોએ કામ શરૂ કરી દેવું જોઈએ. નહીંતર ગટર, પાણી અને હવે વીજ કનેક્શન કાપવામાં પણ આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે ત્યારબાદ થયેલી પ્રશ્નોતરી દરમિયાન વિજયભાઈ નામના મિલકતદારે જણાવ્યું કે અમે ત્રણ કન્સલ્ટન્ટ પાસે એસ્ટીમેન્ટ કરાવ્યું હતું, જેમાં એક કન્સલન્ટ દવારા અમારે સાહેબ સાથે 25થી 30 હજારનો વ્યવહાર કરવો પડે તેમ જાહેર સભામાં બોલતા સભામાં સોપો પડી ગયો હતો. અન્ય મિલકતદારોએ પણ વિજયભાઈની વાતને અનુમોદન આપ્યું હતું. આ બાબતે ચીફ ઓફિસરે આશ્ચર્યચકિત થવા સાથે જણાવ્યું કે તમારી પાસે જેમણે વ્યવહારની વાત કરી તેમનું નામ આપજો અમે કાર્યવાહી કરીશું.

કન્સલ્ટન્ટ માત્ર કામ કરી છટકી નહીં શકે એક વર્ષ સુધી મેઈન્ટેનન્સની જવાબદારી રહેશે. દર વર્ષે એનઓસી રિન્યુ કરાવવાની રહેશે જે માટેની જવાબદારી જે તે કન્સલ્ટન્ટની રહેશે તેમ જણાવી ચીફ ઓફિસરે તુરંત ફાયર સેફટી માટે કામ શરૂ કરવા જણાવ્યું હતું ત્યારે સવાલ એ થાય છે કે પાલિકા પાસે જ ફાયર સેફટી નથી ત્યારે દંડ કોને કરશે ?

દસ્તાવેજી કાર્યવાહી માટે 10000નો ખર્ચ?
હાલમાં એનઓસી કાર્યવાહી કરવા માત્ર અરજી માટે કન્સલ્ટન્ટ દ્વારા 10 હજાર રૂપિયા ફી લેવામાં આવે છે. જેમાં માત્ર નવસારી-વિજલપોર પાલિકામાં અને સુરત રિજિયોનલ ફાયર ઓફિસર પાસે રિપોર્ટ કરી એક વર્ષમાં ફાયર સેફટીનું કામ પૂરું કરીશું એવું પ્રમાણપત્ર મેળવવા માટે 10 હજાર લેવામાં આવી રહ્યાં છે. જ્યારે નગરપાલિકાની સભામાં 25 થી 35 હજારનો વ્યવહાર કરવો પડે છે તેવું જાહેરમાં કહ્યું હોય આ બાબતે લોકો માહિતીના અભાવે કન્સલ્ટન્ટ વધારાનો ચાર્જ પણ લઈ રહ્યા છે તેવી લાગણી એક મિલકતદારે વ્યક્ત કરી હતી.

પાર્કિંગ વિના બિલ્ડીંગ બનાવનાર સામે કાર્યવાહી કરો
નવસારીમાં આવેલી જલારામ સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે તેમના વિસ્તારમાં બિલ્ડર દ્વારા પાર્કિંગની જગ્યા પણ છોડવામાં આવી નથી. પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરી દેતા તેમની વિરુદ્ધ પગલાં લેવાશે ખરા ? તેમ જણાવી પાલિકાના જુના જખમો તાજા કર્યા હતા. પાલિકાએ હાલમાં માત્ર ફાયર સેફટીનો પ્રશ્ન છે, બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી માટે કાનૂની કાર્યવાહી કરવા કોર્ટમાં જવા સૂચન કર્યું હતું.

માહિતી જાણવા માટે ફાયર કર્મીનું ટેબલ મૂકાયું છે
હાલમાં કોર્ટમાં કેસ ચાલતો હોય અમારે માહિતી આપવી પડે છે. નવસારીમાં 651 પૈકી માત્ર 30 લોકોએ જ એન.ઓ.સી માટે કાર્યવાહી કરી છે. અમે 15 દિવસ તેમને આપ્યા છે, જો કામ શરૂ નહીં થાય તો ગટર, પાણીની સાથે વીજ કનેક્શન પણ કપાશે. વધુ માહિતી માટે પાલિકામાં ફાયર કર્મચારીઓનું ટેબલ પણ મૂક્યું છે ત્યાંથી માહિતી મેળવી લેવાની રહેશે. > દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર, નવસારી-વિજલપોર પાલિકા

​​​​​​​ફાયર એનઓસી માટે ખર્ચ કાઢવો ક્યાંથી ?
કોરોના મહામારીમાં લોકો અડધુ જ મેઈન્ટેનન્સ ભરી રહ્યાં છે ત્યારે કન્સલ્ટન્ટ દ્વારા મસમોટા એસ્ટીમેન્ટ આપી રહ્યાં હોય અને મુદત પણ ઓછી આપી હોય લોકો ખર્ચ ક્યાંથી કાઢશે? > સિદ્ધેશ જોશી, મિલકતદાર

અન્ય સમાચારો પણ છે...