શ્રમિકો પર હુમલો:નવસારીમાં ખેડૂત-શ્રમિકો પર 13 માલધારીનો હુમલો, ગાંધી સ્મૃતિ ફાટક પાસે આવેલા ખેતરમાં ભેલાણ કરવા પશુઓ ઘૂસી જતા ખેડૂતે વિરોધ કરતા ધમાસાણ મચી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી અને રાયોટીંગનો 13 સામે વિજલપોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, પોલીસનું કોમ્બિંગ

જલાલપોર તાલુકામાં આવેલા મોગાર ગામની હદમાં ગાંધી સ્મૃતિ ફાટક પાસે ખેતરમાં ભેલાણ કરવા બાબતે વિરોધ કરતા મોગાર ગામના ખેડૂત અને બે શ્રમિક પર 13 માલધારીઓએ હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતને પગમા ફ્રેકચર થતા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બે શ્રમિક યુવાનોને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે વિજલપોર પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે ધસી જઇ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં માલધારીઓ સામે વિજલપોર પોલીસ મથકમાં જાનથી મારી નાંખવાની ધમકી અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા ત્રણને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્યને ઝડપી લેવા પોલીસે દોડધામ શરૂ કરી છે. 

માલધારીઓએ ઉશ્કેરાઇ જઇ પોતાના ઢોરને ખેતરમાંથી વળવાના બદલે ખેડૂત સાથે હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા
નવસારીમાં ગાંધી સ્મૃતિ ફાટકથી 200 મીટરના અંતરે  મોગાર ગામે રહેતા કેયુરભાઈ પટેલની જમીન આવેલી છે. ખેતરમાં ડાંગરનો પાક કાપણી કરી તેને ઝુડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરે 1થી 1.45 કલાક દરમિયાન કેટલાક માલધારીઓ પોતાના ઢોર ચરાવવા ખેતરમાં આવી ચડ્યા હતા. જેથી ખેડૂતે તેનો વિરોધ કર્યો હતો અને નુકસાન ન કરવા વિનવણી કરી હતી. તેમ છતાં માલધારીઓએ ઉશ્કેરાઇ જઇ પોતાના ઢોરને ખેતરમાંથી વળવાના બદલે ખેડૂત સાથે હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા. ઢોર ચરાવવા આવેલા માલધારીઓ એકત્ર થઈ જઇ ખેડૂત સાથે અને તેને બચાવવા ગયેલા અન્ય બે શ્રમિકો પર હુમલો કરતા ખેડૂત કેયૂરભાઇ પટેલ રહે. મોગારના પગમાં ફ્રેકચર થયું હતું. જ્યારે અન્ય બે ને સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ગામથી કેટલાક લોકો ઘટનાસ્થળે ધસી આવતા માલધારીઓ અને ગામવાસીઓ સામસામે આવી ગયા હતા.વિજલપોર પોલીસને પણ આ ઘટનાની જાણ થતા જ પોલીસ મથકના પીએસઆઇ સાળુંકે તથા તેમના સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો  અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જોકે હુમલો કરનારા માલધારીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ખેડૂત કેયૂરભાઇએ 13 માલધારીઓ સામે પોતાની અને અન્ય બે શ્રમિક પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા વિજલપોર પોલીસે રાયોટીંગ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાંજ સુધીમાં પોલીસે ત્રણ જણા ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ફરાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ હુમલાથી સ્થાનિક વિસ્તારમાં માલધારીઓ સામે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. 

પોલીસે 3 આરોપીને ઝડપી લીધા, અન્યની શોધખોળ
 વીજલપોર પોલીસે  રાયોટિંગના ગુનામાં  હુમલાખોર માલધારીઓને ઝડપી પાડવા માટે વિજલપોરના ગોકુળપુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. નવસારી એલસીબી સહિતનો પોલીસ પણ આ કામગીરીમાં જોડાયો હતો. અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે. અરે અન્યની પોલીસ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ તેઓને પણ ઝડપી લેવામાં આવશે. > એસ.ડી. સાળુંકે, પીએસઆઇ,વિજલપોર પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...