ચેતજો...:નવસારી જિલ્લામાં 1 વર્ષમાં 128 લોકો સાયબર ક્રાઇમનો શિકાર, હવે રીફંડ માટે ધસારો

નવસારી2 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • રેન્જ આઇજીની ટીમે વિજલપોર પોલીસ મથકે દસ્તાવેજ ચકાસ્યા
  • સાયબર ક્રાઇમની હેલ્પલાઇન 1930 ઉપર ફરિયાદ કરનારા તમામને રેજ આઈજી દ્વારા નાણાં પરત મળે તે માટે હાથ ધરેલી કાર્યવાહી

નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને તેમના નાણાં રીફંડ મળે તે માટે તાજેતરમાં રેજ આઈજી દ્વારા સાયબર ક્રાઇમમાં જેમણે ફરિયાદ કરી તેમની ફરિયાદ ચકાસણી માટે વિજલપોર પોલીસ મથકે સાયબર ક્રાઇમની ઓનલાઈન ફરિયાદ કરનારાઓને મળેલ સૂચનાને આધારે તેમના પુરાવા સાથે બોલાવ્યા હતા. સુરત રેંજ આઈજીની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઓનલાઈન છેતરપિંડી નો ભોગ બનનારને જાણ કરી વિજલપોર પોલીસમાં માહિતી આપવા બોલાવ્યાં હતા.

રેજ આઈજીના સાયબર ક્રાઇમ વિભાગ તરફથી નવસારી જિલ્લાના સાયબર ક્રાઇમનો 128 જણાં ભોગ બનનારાને જાણ કરી હતી. જેઓ શનિવારે ફરિયાદકર્તાઓને આઈજી તરફથી મળેલા મેસેજ પ્રમાણે વિજલપોર પોલીસ જેમનું સ્થળ હતું તેમને બોલાવીને તેમના વિવિધ પુરાવા અને તેમના ઓનલાઈન ગયેલા નાણાં રીફંડ મળે તે માટે કોર્ટમાં અરજી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

તે અંતર્ગત જ્યારથી સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદ હેલ્પ નંબર-1930 શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 128 લોકોએ ફરિયાદ કરી હતી. તેમને ક્રમાનુસાર બોલાવ્યા હતા. તેમની પાસે બેંકની વિગતો, આધારકાર્ડ અને અન્ય વિગતો પોલીસે લીધી હતી. આ અરજીઓ ભેગી કરી કોર્ટમાં જમા કરાવ્યાં બાદ નાણાં રીફંડ મળશે તેવી માહિતી મળી છે. પોલીસ આ ખાતા ફ્રીઝ કરી નાણાં પરત અપાવશે.

અજાણ્યાને બેંક-આધારકાર્ડ ડિટેલ આપવી નહીં
મોટાભાગે સોશિયલ મીડિયામાં ઓનલાઈન નાણાંની હેરફેર કરનારાઓ જ ભોગ બની રહ્યાં છે. બાઇક કે વાહન ખરીદવા, લોન આપવી, ગૂગલ કે ફોન પે ઉપર રિવોર્ડના બહાને લીંક મોકલે છે, એકવાર પૈસા જમા કરાવ્યાં બાદમાં ભરે નહીં તો લલચાવતા ફોન આવે છે. કોઈને લીંક મોકલે તો કોઈની પાસે આધાર કાર્ડની ડિટેઇલ મંગાવી ઓનલાઈન પૈસા ઉપાડી લે. હવે જાગૃતિ એજ સલામતી હોય લોકોએ અજાણ્યા લોકોને પોતાની અંગત માહિતી કે બેંક,આધાર કાર્ડની માહિતી આપવી જોઈએ નહીં.

ભોગ બનનાર હેલ્પ લાઇન ઉપર જાણ કરો
હાલનો જમાનો ઓનલાઈનનો છે. નાણાંની હેરફેર અને ઘરબેઠાં વસ્તુ ખરીદવા માટે સારી સુવિધાઓ છે પરંતુ ઓનલાઈન વ્યવહાર માટે સાયબર ક્રાઇમને અંજામ આપનારાઓની નજર ઠરી છે. તમને લોભામણી લાલચ, બેંકમાં કેવાયસી અપડેટ, નંબર અપડેટ, જીઈબીના બીલ અપડેટ અને સોશિયલ મીડિયામાં પણ લાલચ આપી લોકોને છેતરપિંડી કરનારા લોકોની નજર લોકોના વ્યવહાર ઉપર છે. જેમાં મિનિટે સાયબર ક્રાઇમનો લોકો ભોગ બને છે. 1930 ઉપર ઓનલાઈન ફરિયાદ કરવી જોઈએ. હવે નવા નિયમ મુજબ ભોગ બનનારને તેના નાણાં રીફંડ મળી શકે એમ છે.

આર્મી મેનના નામે વાહન વેચવાની જાહેરાત મૂકી
એક વાર સોશિયલ મીડિયામાં ફોર વ્હિલ સેકન્ડમાં વેચવાની છે અને ઓછા ભાવમાં ખરીદવા માટે જાહેરાત આવી હતી. મને જરૂર હતી. મેં એ નંબર ઉપર ફોન કર્યો અને અજાણ્યાએ આર્મીમાં હોય તેણે પોતાનું વાહન ઓછી કિંમતમાં વેચવાનું છે એમ કહીં વાહનની તસવીર બતાવી હતી. ત્યારબાદ તેના કાગળો અને દસ્તાવેજના ટ્રાન્સફર માટે આધાર કાર્ડ અને બેંકની વિગતો માગી હતી. અમે સસ્તા વાહન લેવાની લાલચમાં વિગતો આપી હતી. 50 હજારના વાહન માટે 2 લાખ અલગ અલગ ખાતામાંથી ઉપાડીને આપ્યા હતા. જોકે આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. > રીંકેશ પટેલ, નવસારી

લોકલાજે લોકો ફરિયાદ નોંધાવતા નથી
નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો લોકો ભોગ બની રહ્યા છે. હાલના ઓનલાઇન જમાનામાં અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા શિક્ષિત લોકો જ સાયબર ક્રાઇમનો વધુ ભોગ બની રહ્યા હોવા છતાં ફરિયાદ કરવા માટે મહત્તમ લોકો તૈયાર થતા નથી. જેને લઇને સાયબર માફિયાઓની હિંમત ખૂલી છે. જેમાં વીજળીનું બીલ અપડેટ કરવા માટે, મોબાઇલ નંબર એક્ટિવેશન માટે અને વીડિયો કોલ દ્વારા હની ટ્રેપ કરવાની ઘટના વધી છે, પરંતુ લોકલાજે મોટાભાગના ભોગ બનનારાઓ ફરિયાદ નોંધાવતા નથી.

ફોન ઉપર કહ્યું ઇનામ લાગ્યું છે
ફોન ઉપર મને જણાવ્યું કે તમને ઇનામ લાગ્યું છે. જે માટે લીંક મોકલી હતી. મેં એના પર ક્લિક કરી લીંકની વિગતો ભરી હતી. મને પ્રોસેસ ચાર્જ પેટે અમુક રૂપિયા ભરવાનું કહ્યું. એકવાર નાણાં ભરતા બીજીવાર ફોન આવી બીજા નાણાં ભરવા માટે જણાવ્યું. મને લાગ્યું કે કોઈપણ આવી રીતે સામેથી માહિતી માંગવા ફોન નહીં કરે તેથી મેં બેંકમાં જાણ કરી હતી. > નરેશ શાહ, નવસારી

4 વાર ટ્રાન્ઝેકશન કરી 37 હજાર ઉપાડી લીધા
ફોન પે ઉપર રિવોર્ડની રકમ જમા થઈ છે તે ઉપાડી લો. જેના માટે લીંક મોકલી પણ મેં તેના ઉપર ક્લિક ન કરી, મારો આધાર કાર્ડની વિગત માગી હતી તે આપી હતી. અડધા કલાક બાદ 37 હજાર ચાર વાર ટ્રાન્ઝેકશન કરી ઉપાડી લીધા અને સમયસૂચકતા વાપરી બેંકમાં ફરિયાદ કરી ખાતુ ફ્રીજ કરાવ્યું હતું. > સચિન દેરે, વિજલપોર

10 હજારની લોન માટે રૂ. 3700 ભરાવતા શંકા ગઇ
સોશિયલ મીડિયામાં 10 હજારની લોન કોઈપણ પુરાવા વગર લઈ જવા માટે આ લીંક આપી છે એમ એ લીંક પર હું ગઈ હતી. એ લીંક ખોલી અને મને મારા દસ્તાવેજો અને પ્રોસેસ ફી માટે રૂ. 3700 ભરવા માટે જણાવ્યું હતું. એ રકમ ભરી દીધી ત્યારબાદ મને લાગ્યું કે આ ફ્રોડ છે તેમ જણાવતા મને બીજી રકમ ભરવા માટે જણાવાયું હતું પરંતુ મેં તે રકમ ભરી ન હતી. ત્યારબાદ મને બીજી રકમ ભરવા માટે ફોન ઉપર ફોન આવવા લાગ્યા. મેં મારા બેંકમાં જાણ કરી અને તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી. મેં પૈસા નહીં ભરતા મારા આધાર કાર્ડ મારા ઓળખીતામાં ગાળ લખી ફોરવર્ડ કરવા લાગ્યા હતા. > જયશ્રી પટેલ, વિજલપોર

​​​​​​​​​​​​​​ઓનલાઈન નાણાં હેરફેર કરવા સામે લાલ બત્તી
તમારી એપ્લીકેશન ઉપર નાણાં જમા થયા છે તે માટે તમે કેમ કાર્યવાહી કરતા નથી એમ તમને મેસેજ આવે છે. એ મેસજ ના નંબર ઉપર ફોન કરવાનું જણાવતા ફોન કરતા મારો ફોન નંબર માંગ્યો ત્યારબાદ આ નાણાં જમા કરાવવા એક મેસેજ આવશે અને લીંક આવશે તેમ કહ્યું પણ મેં એને રીપ્લાય આપ્યો હતો. મારો આધાર કાર્ડ અપલોડ કર્યો હતો. અડધા કલાક બાદ મારા ખાતામાં 10 મિનિટમાં 4 ટ્રાન્ઝેકશન થયા હતા. માત્ર લીંક આવી હતી. મેં બેંકમાં જઈ આ બાબતે જણાવતા બેંકે સાયબર ક્રાઇમમાં જાણ કરી હતી. > રોહન શર્મા, નવસારી.

KYC જનરેટ કરવા માટે લીંક મોકલી
તમારો મોબાઈલ નંબરને ઇનામ લાગ્યું છે. હું અમુક કંપનીમાંથી બોલું છું. તમારો કેવાયસી જનરેટ કરવા માટે તમારો આધારકાર્ડના નંબર આપો તેમ જણાવતા અમે નંબર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે તમારા પર એક લીંક આવશે તેના ઉપર માહિતી આપો તેમ કહી જણાવ્યું કે પ્રોસેસ ફી ભરવી પડશે. એક લીંક મોકલી અમને જણાવ્યું કે આ પૈસા ભરી જાઓ. એક ઓટીપી આવશે. આ પૈસા પાછા તમારા ખાતામાં આવી જશે એમ કહી વિશ્વાસ આપી પૈસા ભર્યા પણ પાછા આવ્યા ન હતા. આ બાબતે બેકમાં જાણ કરી હતી. > અર્જુન તોમર, વિજલપોર.

અન્ય સમાચારો પણ છે...