નવસારી જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે પ્રવેશ પરીક્ષામાં 1943 પૈકી 1018 છાત્રોએ પરીક્ષા આપી હતી. જ્યારે 925 છાત્ર ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા પાસ કરનારા છાત્રોને ધોરણ-12 સુધીનો તમામ ખર્ચ સરકાર આપતી હોય છે.
નવસારી જિલ્લામાં ધોરણ-6 બાદ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષા માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા છાત્રોથી જ આપી શકાય છે. આ પરીક્ષા અઘરી હોય છે પણ તેજસ્વી છાત્રો કે જેઓ શાળામાં 1 થી 3 નંબરે પાસ થયેલા હોય તેઓ જ આ પરીક્ષા માટે યોગ્ય ગણાય છે. બુધવારે વર્ષ 2021-22માં પ્રવેશ માટે નવસારી જિલ્લામાં 10 સેન્ટર પર 1943 છાત્રો પરીક્ષા આપનાર હતા પણ 925 છાત્રો ગેરહાજર રહ્યા હતા અને 1018 છાત્રોએ પરીક્ષા આપી હતી.
ગેરહાજર રહેલા છાત્રોની ટકાવારી 48 ટકા રહી હતી. 52 ટકા છાત્રોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં પાસ થયેલા પ્રતિભાશાળી બાળકોને સરકાર વિનામૂલ્યે ધોરણ-12 સુધી અભ્યાસ કરાવે છે. રહેવા-જમવાનો, શાળાનો ગણવેશ, પાઠ્ય પુસ્તકો વગેરે તમામ ખર્ચ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આ તમામ સેવાઓ વિના મૂલ્યે ધોરણ-12 સુધી આપવામાં આવે છે, ત્યારે આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં દર વર્ષે પરીક્ષા આપે છે. ચાલુ વર્ષે પણ કોરોનાની સ્થિતિમાં મહત્તમ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને જવાહર વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા પ્રયાસ કર્યો છે.
પ્રતિભાશાળી છાત્રોને 3 ભાષાનો લાભ મળે છે
નવસારીમાં જવાહર નવોદય વિદ્યાલય વાંસદા તાલુકાના રૂપવેલમાં આવેલું છે. 21 એકરમાં પથરાયેલી આ શાળામાં રનિંગ, ઇન્ડોર રમતો જેવી રમતો ઉપરાંત ત્રણ ભાષામાં જ્ઞાન આપવામાં આવે છે. ઉપરાંત માઈગ્રેશન પોલિસી અંતર્ગત ધોરણ-9ના છાત્રોને ઉત્તર પ્રદેશમાં અભ્યાસ માટે લઈ જવાય છે અને ઉત્તર પ્રદેશના છાત્રો નવસારીમાં અભ્યાસ માટે આવે છે. ધોરણ-6 થી 12ના છાત્રોને બધી પ્રવૃત્તિ વિના મૂલ્યે થાય છે. > મીના મની, પ્રિન્સિપાલ, જવાહર નવોદય વિદ્યાલય, વાંસદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.