હુકમ:એક્સપ્રેસ હાઇવેમાં હવે 1000 કરોડ વધુ ચૂકવાશે, જિલ્લાના 22 ગામમાંથી પસાર થનારા હાઇવેના વળતરના મુદ્દે આરબીટ્રેશનમાં જતા આરબીટ્રેટરે હુકમ કર્યો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ 22 ગામમાંથી પસાર થનાર હાઇવે - Divya Bhaskar
આ 22 ગામમાંથી પસાર થનાર હાઇવે
  • બુલેટ ટ્રેન બાદ હવે એક્સપ્રેસ હાઇવેમાં વધુ વળતરનો હુકમ કરાયો, અગાઉના ચો.મીટરના નિર્ધારિત ભાવ કરતા ઘણા વધુ ભાવ ઠરાવાયા

નવસારી જિલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં પણ બુલેટ ટ્રેનની જેમ જંત્રીનો વધુ ભાવ નક્કી થતા 22 ગામના અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 1000 હજાર કરોડથી વધુ રકમ ચૂકવાશે. આરબીટ્રેશનમાં વધુ ભાવ નક્કી કરતો હુકમ થયો છે.વડોદરાથી મુંબઇ વચ્ચેનો એક્સપ્રેસ હાઇવે નવસારી જિલ્લાના પણ 22 ગામમાંથી પસાર થશે. આ ગામોની 400 હેકટરથી વધુ જમીન સંપાદન કરવાની ફરજ પડી છે, જેની પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. જોકે વળતર મુદ્દે વાદવિવાદ ઉભો થયો હતો. વાસ્તવિક બજાર કિંમત કરતા જંત્રીના 10 વર્ષ અગાઉના ભાવ ખૂબ જ ઓછા હોય અસરગ્રસ્તોનો વિરોધ હતો.

એવોર્ડ નક્કી થયા બાદ થોડા સમયથી ચૂકવણું શરૂ થયું હતું. જોકે અન્ય એક પ્રોજેકટ બુલેટ ટ્રેનમાં 2011ની જંત્રી કરતા વધુ રકમ નક્કી થઈ ચૂકવણું કરાતા એક્સપ્રેસ હાઇવેના અસરગ્રસ્તોમાં વધુ વળતરની માંગ બળવત્તર બની અને આખરે મામલો જિલ્લા કલેકટરમાં અસરબીટ્રેશનમાં ગયો હતો. અંતે આરબીટ્રેટર અને કલેકટરે હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત ગામોમાંથી 14 ગામ માટે પ્રતિ ચોમીનો ખેતીની જમીનનો ભાવ 877 રૂપિયા ઠરાવ્યો છે અને અન્ય 8 ગામ માટે પ્રતિ ચોમીનો ભાવ પણ ખૂબ સારો ઠરાવ્યો છે.

જાહેરનામુ અને 3 ડી નોટિસના સમયમાં ફેરફારને લઈ આ તફાવત હોવાનું જાણવા મળ્યું છે. આરબીટ્રેશનના આ હુકમને લઈને જ્યાં અગાઉ જિલ્લામાં એક્સપ્રેસનું કુલ વળતર અંદાજે 460 કરોડ ચૂકવાનાર હતું, તે હવે અન્ય કોઈ વિવાદ ન થાય તો (જેની શકયતા ખૂબ ઓછી છે) હવે 1550 કરોડથી વધુ ચૂકવાશે.

નવા ભાવની અસર આગામી પ્રોજેક્ટો પર
નવસારી જિલ્લામાં આગામી સમયમાં પણ અનેક પ્રોજેક્ટ આવશે. જેમાં નજીકના સમયમાં ‘સુરત-ચેન્નાઈ એક્સપ્રેસ હાઈવે’ આવનાર છે. તેના માટે પણ ઘણી જમીન સંપાદિત કરવી પડશે. આ પ્રોજેકટમાં જમીન સંપાદનમાં વળતર નક્કી કરવા ઉપર બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેના વધુ ભાવની અસર થશે એવી પૂરી શક્યતા છે.

ઘણાં અસરગ્રસ્તોને વળતર ચૂકવાઈ ગયું પણ..
જિલ્લામાં એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન પ્રક્રિયા હેઠળ વળતરની રકમ ચૂકવવાની કામગીરી ઘણાં સમયથી શરૂ પણ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ અંદાજે 60 ટકા જેટલી વળતરની રકમ ચૂકવાઈ પણ ગઈ હતી. બાદમાં મામલો આરબીટ્રેશનમાં ગયો હતો. જોકે જેમને રકમ ચૂકવાઈ ગઈ હતી, તેમને બાકીનો વધારો મળશે.

સરકારમાં કરાયેલી રજૂઆત આખરે ફળી
બુલેટ ટ્રેનમાં વધુ વળતર ચૂકવાયા બાદ એક્સપ્રેસ હાઈવેમાં પણ વધુ વળતરની માગ બળવત્તર બની હતી. અસરગ્રસ્તો આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ તથા સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરી હતી. રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં પણ અવારનવાર રજૂઆત કરી હતી. આ રજૂઆતો ફળી હોય એમ લાગી રહ્યું છે.

હાઇવેની જગ્યામાં ઉભેલા વૃક્ષો, મકાનનું વળતર પણ નકકી થશે
એક્સપ્રેસ હાઇવે જ્યાંથી પસાર થનાર છે તે જગ્યાએ ખુલ્લી જગ્યા ઉપરાંત વૃક્ષો ઉપરાંત કેટલીક જગ્યાએ મકાનો પણ ઉભા છે. આ વૃક્ષો અને મકાનો માટે વળતર અલગથી નક્કી થશે. આરબીટ્રેટરે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, અરજદારો વૃક્ષો માટેનું વળતર સરકારના તા. 12-1-2021ના પરિપત્ર મુજબ મેળવવા હકદાર છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભૂતકાળના પરિપત્રમાં વૃક્ષોનું વળતર ખૂબ જ નગણ્ય નક્કી થયું હતું. જોકે, આ નવા 2021ના પરિપત્રમાં વૃક્ષનું વળતર વધુ છે જેથી તેમાં પણ અસરગ્રસ્તોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...