મન્ડે પોઝિટિવ:નવસારી જિલ્લામાં 89% ગામોમાં 100% રસીકરણ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં પ્રથમ ભૂતસાડમાં 100 ટકા રસીકરણ થયું હતું. - Divya Bhaskar
જિલ્લામાં પ્રથમ ભૂતસાડમાં 100 ટકા રસીકરણ થયું હતું.
  • ભૂતસાડ 6 જુલાઇએ પ્રથમ 100 ટકા રસીકરણવાળું ગામ બન્યું હતું, સમગ્ર ખેરગામ તાલુકામાં સૌપ્રથમ 100 ટકાની સિદ્ધિ
  • કુલ 388 ગામમાંથી હવે માત્ર 44 ગામમાં જ 100 ટકાએ પહેલો ડોઝ હજુ લીધો નથી, એમાંય કેટલાક ગામમાં થોડા જ લોકો પહેલા ડોઝથી વંચિત

નવસારી જિલ્લામાં 89 ટકા ગામોમાં 100 ટકા કોવિડ રસીકરણ થઈ ગયું છે.કુલ 388 ગામમાંથી 344 ગામમાં 100 ટકા થઈ ગયું છે. નવસારી જિલ્લામાં 16 જાન્યુઆરીથી કોવિડ રસીકરણ શરૂ થયું હતું,જેમાં 18થી 44 વર્ષ વચ્ચેના લોકોને 4 જૂનથી રસી આપવાની શરૂઆત થઈ હતી. જિલ્લામાં પ્રથમ ભૂતસાડ ગામમાં 100 ટકા રસીકરણ થયું હતું. ત્યારબાદ ક્રમશઃ 100 ટકાના જૂથમાં વધુ ને વધુ ગામો જોડાતા રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં દોઢસોથી વધુ ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે.

આંકડાકીય વિગતો જોઈએ તો જિલ્લામાં અગાઉ 396 ગામો હતા,જેમાં 8 ગામ નવસારી શહેરમાં જોડાઈ જતા હવે 388 ગામ જ રહ્યા છે.જેમાંથી હાલ સુધીમાં કુલ 344 ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર 44 ગામમાં જ 100 ટકા એ રસીનો પહેલો ડોઝ લીધો નથી. એમાંય કેટલાય માંડ 50થી ઓછા લોકો બાકી હોય નજીકના દિવસોમાં 100 ટકા થઈ જશે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ખેરગામ તાલુકામાં અનેક દિવસોથી તમામ ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે. ગણદેવી તાલુકામાં પણ એકમાત્ર મટવાડ ગામે જ કામગીરી બાકી રહી છે. અન્ય 4 તાલુકામાં પણ દિવસો વીતતા વધુ ને વધુ ગામોમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ રહી.છે.

100 ટકા વેક્સિનેશનમાં બાકી ગામો
કરાડી, ઉભરાંટ, આટ, હાંસાપોર, ઓંજલ, માછીવાડ, માણેકપોર, કુંભાર ફળિયા, રાનવેરીકલ્લા, વાડા, કુચેદ, ઘેજ, બીલમોડા, મહુવર, મટવાડ, બુટલાવ, ટંકોલી, ચીકટીયા, ભટ્ટાઈ, ગંગપુર, ધારાગીરી, વાંઝણા, પીપલગભાણ, નસીલપોર, મોગરાવાડી, ખેરગામ (નવસારી તાલુકો), નિરપણ, ડભલાઈ, આલીપોર, ચાસા, મોલધરા, લીમઝર, સાદકપોર, વાંસદા, સીમલક, કાળાકાછા, આસણા, કાવડેજ, વેસ્મા, અંકલાછ, ઘોડમાળ, ડાભેલ.

જિલ્લામાં 90 ટકા લોકોએ પહેલો ડોઝ લઇ લીધો
નવસારી જિલ્લામાં 18 વર્ષથી ઉપરની વયના લોકોને રસી અપાઈ રહી છે. આ વયગ્રુપમાં જિલ્લામાં રસી લેવવાયા, અંદાજે 10.32 લાખ લોકો છે. જેમાંથી 9.20 લાખથી ય વધુ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે, જે 90 ટકા કહીં શકાય. આ પહેલો ડોઝ લીધેલામાંથી 5.89 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. બીજો ડોઝ જે બાકી છે તેમાં વધુ સંખ્યા 18થી 44 વર્ષ વચ્ચેના લોકોની છે. 45+ ના મહત્તમે બીજો ડોઝ લીધો છે.

બે મેગા ડ્રાઇવથી સ્થિતિમાં સુધારો
આમ તો દરરોજ જિલ્લામાં કોવિડ રસીકરણ થઇ રહ્યું છે. આ દરમિયાન બે દિવસ આરોગ્ય વિભાગે રસીકરણની મેગા ડ્રાઇવ કરી હતી. જેમાં 17મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને પ્રથમ ડ્રાઇવ કરાઇ હતી. આ એક જ દિવસે 80000થી વધુને રસીના ડોઝ અપાયા હતા. બીજી મેગા ડ્રાઇવ 10 ઓકટોબરે કરાઇ હતી. આ દિવસે 33000 લોકોએ રસી લીધી હતી. આ બે મેગા ડ્રાઇવને લઇને રસીકરણની સંખ્યામાં ભારે સુધારો જઇ ગયો છે અને અનેક ગામોમાં 100 ટકા રસીકરણ પણ પૂર્ણ થઇ ગયું છે.

રવિવારે 2865ને કોવિડ રસી અપાઇ
નવસારી જિલ્લામાં રવિવારે માત્ર 2865 જણાંને જ કોવિડ રસી અપાઈ હતી. જેમાં 2698 જણાંએ બંને ડોઝ અને માત્ર 167 જણાંએ જ જિલ્લાભરમાં પહેલો ડોઝ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 830, જલાલપોરમાં 1141, ગણદેવીમાં 580, ચીખલીમાં 182 અને વાંસદામાં 132 જણાંએ રસી લીધી હતી. ખેરગામ તાલુકામાં રસીકરણ થયું ન હતું. અહીં ઉલ્લેખનીય છે કે, 10મી એ રસીકરણનો બીજો મેગા ડ્રાઇવ થયા બાદ રસીકરણની સંખ્યામાં છેલ્લા અઠવાડિયામાં ઘટાડો થયો છે. રવિવારે રજાનો દિવસ હોવા છતાં રસીકરણ ઓછું થયું હતું.

શહેરી વિસ્તાર સંપૂર્ણ રસીકરણ તરફ, ગણદેવી શહેરમાં માત્ર 296 બાકી
ગ્રામ્ય વિસ્તારોની સાથે જિલ્લાના શહેરી વિસ્તારમાં પણ રસીકરણ વધી રહ્યું છે. નવસારીમાં અંદાજે 3 હજાર અને વિજલપોરમાં સંખ્યા વધુ બાકી છે. બીલીમોરામાં અંદાજે 850 જણાં અને ગણદેવી શહેરમાં તો હવે માત્ર 296 જણાંને જ પહેલો ડોઝ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...