કલાકારો લાચાર:નવસારીમાં ગીત-સંગીતના 100 કલાકારોએ વેદના ઠાલવી, અમારૂ જીવન ફરી ગુંજતું કરો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બધા ધંધા-રોજગાર શરૂ થઇ ગયા, અમારો શું દોષ ?

નવસારીમાં સંગીતના વ્યવસાય સાથે જોડાયેલા કલાકારોની લોકડાઉન બાદ લગ્નપ્રસંગ, ગણેશચતુર્થી જેવા પર્વમાં સોશિયલ ડિસ્ટન્સ બાબતે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતા સંગીતકારોની આર્થિક સ્થિતિ કપરી બની છે. જેને લઈને ગુરૂવારે 100થી વધુ સંગીત સાથે સંકળાયેલા કલાકારોએ ધારાસભ્યનું શરણું લઈને તેમની માંગ દોહરાવી હતી. ધારાસભ્ય દ્વારા યોગ્ય સ્તરે રજૂઆત કરવા કલાકારોને હૈયાધરપત આપી હતી.

નવસારીમાં સંગીતના વ્યવસાય સાથે જોડાયેલા 100થી વધુ કલાકારોએ આર્થિક સ્થિતિ અંગે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને રૂબરૂ મળી માહિતગાર કરી લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે કોવિડ-19નાં કારણે 6 માસથી સંપૂર્ણ બેરોજગાર છે. કલાકારો પાસે બીજી કોઈ નોકરી કે ધંધો ન હોય પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલ અનલોક ચાલુ છે, તેમાં બધા ધંધા-રોજગાર ચાલુ થયા છે, માત્ર સંગીતકારોનાં કામકાજ બંધ છે. તેમને કોઈપણ પ્રકારની સરકારી સહાય મળી નથી, જેથી ગુજરાન ચલાવવું દુષ્કર બન્યું છે. કલાકારો મહેનત કરીને રોજગાર કમાવવા માંગે છે. હાલની પરિસ્થિતિને લઈને ઘણા કલાકારો આત્મહત્યા કરવા તરફ વળી રહ્યા છે. આવનાર સમયમાં નવરાત્રિ અને લગ્નપ્રસંગો આવતા હોય કલાકારોને આ સમય દરમિયાન છૂટછાટ આપે તો કલાકારો પરિવારનું ગુજરાન ચલાવવા આત્મનિર્ભર બની શકે એમ છે. સરકાર દ્વારા સંગીતનાં કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવવામાં ન આવે અથવા તો સરકાર દ્વારા સંગીત કલાકારોને આર્થિક સહાય આપવાનું આયોજન કરવામાં આવે અન્યથા ગાંધીચીધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાળ કરવા મજબુર થઈશું તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય વિધાનસભામાં સવાલ ઉઠાવશે
નવસારીના સંગીત કલાકારો દ્વારા નવરાત્રિ તેમજ આવનાર લગ્ન સિઝનમાં પ્રોગ્રામ કરવાની છૂટ મળે અને જે 100 વ્યક્તિની નહીં પણ 500 વ્યક્તિ વચ્ચે પ્રોગ્રામ કરી, પોતાના પરિવાર માટે રોજીરોટી કમાઈ શકે. કલાકારો આત્મહત્યા કરતા અટકે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન નિર્વાહ કરી શકે એવી રજૂઆત કરી હતી. નવસારીના ધારાસભ્યએ પણ આગામી શરૂ થતા વિધાનસભા સત્રમાં આ પ્રશ્નોને વિચારણા હેઠળ લેવામાં આવશે એવી બાંયધરી આપી હતી. આ બાબતે આવેદનપત્ર સોમવાર સુધીમાં કલેક્ટરને આપવા જણાવ્યું હતું. અમને ન્યાય ન મળશે તો આંદોલન કરીશું. - ભરતભાઈ પટેલ, સંચાલક, રોનક મ્યુઝીક બેન્ડ, દશેરા ટેકરી

અન્ય સમાચારો પણ છે...