કુદરતનો કહેર:ઉત્તરાખંડની તારાજીમાં નવસારીના 7 સહિત રાજ્યના 100 યાત્રી ફસાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડમાં ફસાયેલા બીલીમોરાના યુવાનો હેમખેમ છે. - Divya Bhaskar
ઉત્તરાખંડમાં ફસાયેલા બીલીમોરાના યુવાનો હેમખેમ છે.
  • ગણદેવી તાલુકાના 5 અને નવસારીના 2 પ્રવાસીઓ ફસાયા
  • નવસારી ફ્લડ કંટ્રોલ પાસે હજુ સુધી સત્તાવાર માહિતી નથી

ઉત્તરાખંડમાં 17 અને 18 ઓક્ટોબરે પડી રહેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં કહેર વરસાવ્યો છે. જેમાં ઘણા વિસ્તારોમાં માર્ગો ધોવાયા છે અને ટ્રેનસેવા પણ પ્રભાવિત છે. નવસારી જિલ્લામાંથી પણ ચારધામની યાત્રા માટે લોકો ગયા હતા. જેમાં 7 લોકો ફસાયા હોવાની માહિતી મળી છે. જેમાં નવસારી શહેરમાં 2 અને ગણદેવી તાલુકાના 5 નો સમાવેશ થાય છે.

રવિવાર અને સોમવારે વરસાદે ઉત્તરાખંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે છેલ્લા 24 કલાકમાં 24થી વધુ લોકોના મોત થયા હતા. કુમાઉ વિસ્તારમાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. ભારે વરસાદના પગલે મોટાભાગના સડક અને ટ્રેન માર્ગ પણ ધોવાઈ ગયા હતા. ગુજરાતમાંથી 80થી 100 જેટલા પ્રવાસી ચારધામની યાત્રાએ ગયા છે. નવસારી જિલ્લામાં 7 જેટલા લોકો ઉત્તરાખંડમાં ફસાયાની માહિતી મળી છે ત્યારે નવસારી જિલ્લાના ફસાયેલા પ્રવાસીઓ માટે એક હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવી છે. આ બાબતે નવસારી ફલડ કંટ્રોલમાં કોઈપણ જાતની માહિતી નહીં હોવાનું જણાવ્યું હતું. નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં રહેતા 3 યુવાન ચારધામની યાત્રાએ ગયા હતા. જેમનો સંપર્ક કરતા તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. જોકે ભારે વરસાદને પગલે પ્રવાસીઓને ગંગોત્રી ઋષિકેશથી કેદારનાથ તરફ જવા પ્રશાસને મનાઈ કરી હો‌વાથી વધુ ખાનાખરાબી થઈ નહીં હોવાની માહિતી મળી છે.

ફસાયેલા યાત્રાળુઓ માટે હેલ્પ લાઇન શરૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથ બેઝ કેમ્પ તેમજ અન્ય ખીણ વિસ્તારમાં નવસારી જિલ્લાના કોઇ વ્યક્તિ ત્યાં ફસાયેલા હોય તો કન્ટ્રોલ રૂમ-1077 અને 02837233002, મામલતદાર ડિઝાસ્ટર 99793 11144, ડીપીઓ 97143 43111, નાયબ મામલતદાર 91122 55916 નંબર પર માહિતી આપી શકાશે.

ગુપ્તકાશીમાં બીલીમોરાના 3 યુવાનો હેમખેમ
ઉત્તરાખંડમાં હાલ બીલીમોરાના ત્રણ યુવાન ચેતનભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને આકાશભાઈ પટેલ પ્લેનમાં ઉત્તરાખંડ ગયા હતા. તેઓ ચાર ધામમાં ઋષિકેશ દેવદર્શનના ધામ બાદ તેઓ આગળ ગુપ્તકાશી વિસ્તારમાં ગયા હતા ત્યારબાદ રવિ અને સોમવારે ભારે વરસાદ પડતાં તેઓ સ્થાનિક હોટલમાં રોકાયા હતા. ગુપ્તકાશીમાં ઓછો વરસાદ પડવાને કારણે મંગળવારે સાંજે વાતાવરણ ખુલ્યું હતું અને રસ્તા પણ વાહન વ્યવહાર માટે ખુલી જતા વાહનવ્યવહાર શરૂ થયો હોવાની માહિતી મળી છે. જોકે હજુ પણ મોટાભાગના રસ્તા ડેમેજ હોવાથી વાહન વ્યવહારમાં તકલીફ પડી રહી હોવાનું માહિતી મળી છે.

બે દિવસ ભારે વરસાદ પડતા યાત્રા થંભાવી દેવાઇ
બીલીમોરાના યાત્રાળુ ચેતન પટેલે જણાવ્યું હતું કે, અમે પ્લેન મારફતે ઉતરાખંડ ગયા હતા. 17 અને 18મીએ ભારે વરસાદ પડતાં અમે હોટલમાં જ રોકાઈ ગયા હતા. બને દિવસ વરસાદ પડ્યા બાદ ત્રીજા દિવસે વરસાદનું જોર ઓછું થયું હતું. ગુપ્ત કાશી વિસ્તારમાં હોટલમાં રોકાયા હતા. હાલ ચારધામ યાત્રાની શરૂઆતના સ્થળેથી જ પ્રવેશ માટે પ્રશાસને મનાઈ કરી છે. બે દિવસ વરસાદ બાદ હવે વાતાવરણ ખુલ્લું થયું છે. વાહનોની અવરજવર શરૂ થઈ છે. અમને અમારા મિત્રોના સ્ટેટ્સ પરથી ખબર પડી કે ઉતરાખંડમાં વરસાદે તારાજી સર્જી છે. જોકે અમે સહી સલામત છે.

આહવા-ડાંગના પ્રવાસીઓની વહારે જિલ્લાનો ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ઉત્તરાખંડ ખાતે ભારે વરસાદ, ભૂસ્ખલન, અને નદીઓમા આવેલા ભયાનક પુરની સ્થિતિને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમા જો કોઈ ડાંગનો નાગરિક ફસાયેલ હોય તો, જિલ્લાનુ ડિઝાસ્ટર તંત્ર તેની શક્ય તે મદદ કરી શકે તેમ છે. ડાંગના ડિઝાસ્ટર મામલતદાર જયેશ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર ઉત્તરાખંડની સાંપ્રત સ્થિતને જોતા, ત્યાંની સરકારે ચાર ધામની યાત્રા ઉપર પણ રોક લગાવી છે. જો ડાંગ જિલ્લાનો કોઈ પણ નાગરિક, કે તેમના પરિવારજનો હાલમા ઉત્તરાખંડની આફ્તમા ફસાયેલ હોય, તો તેમને તાત્કાલિક ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ નો સંપર્ક સાધવા જણાવાયુ છે. જેથી અસરગ્રસ્ત નાગરિકોને શક્ય તે મદદ પહોંચાડી શકાય. આ માટે ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ કક્ષના ટેલિફોન નંબર - 02631 220347 અને ઈ-મેલ dismgmt-dan@gujarat.gov.in નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...