વેરાની પ્રોત્સાહક યોજના:નવસારીમાં 31મી મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 10% વળતર

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ 1.25 લાખ મિલકતધારકોને વેરા વસૂલાત વધારવા નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા પ્રોત્સાહનો જાહેર કરાયા
  • 22 હજાર જેટલી​​​​​​​ મિલકતોના અગાઉના વર્ષોના વેરા બાકી, તેઓ 31 માર્ચ સુધીના બાકી વેરો ભરે તો વ્યાજ, પેનલ્ટી વગેરે માફ કરાશે

નવસારી શહેરમાં અગાઉના વર્ષોનો વેરો બાકી હોય તેવા 22 હજાર મિલકતધારકો જો મૂળ રકમ ભરે તો વ્યાજ, પેનલ્ટી વગેરે પાલિકા માફ કરશે. આ ઉપરાંત આગામી વર્ષ માટે તમામ 1.25 લાખ મિલકતધારકો માટે પણ વેરાની પ્રોત્સાહક યોજના જાહેર કરી છે. નાણાકીય વર્ષ 2021-22 પૂર્ણ થવાને હવે પૂરો મહિનો પણ બાકી નથી ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા વધુ વેરા વસૂલાત માટે પ્રયત્નશીલ બની છે. આ માટે સરકારે હાલ જાહેર કરેલ ‘અઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજના’નો લાભ લેવા દરખાસ્ત કરી હતી,જે મંજૂર થયાની જાણકારી મળી છે.

આ અંગેની વિગત જોતા નવસારી વિજલપોર નગરપાલિકાની 22 હજાર જેટલા મિલકતધારકોનો અગાઉના એક, બે યા વધુ વર્ષોનો વેરો પણ બાકી છે અને તે પાછલી બાકી 4 કરોડથી વધુ છે. આમ તો અગાઉના વેરા બાકીદારો એ બાકી રકમ ઉપર વ્યાજ, પેનલ્ટી વગેરે પણ ભરવાનું હોય છે પણ નવી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત આ બાકીદારો 31 માર્ચ 2022 પહેલા બાકી રકમ ભરી દેશે તો વ્યાજ, પેનલ્ટી, નોટિસ ફી, વોરન્ટ ફી માં 100 ટકા માફી મળશે. આ ઉપરાંત આગામી 2022-23 વર્ષ માટે પણ પ્રોત્સાહક યોજના છે.

જેમાં 31 મે સુધીમાં એડવાન્સ વેરો ભરી જનારને કુલ વેરા બીલમાં 10 ટકા વળતર પણ આપવાનો નિર્ણય લેવાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે આ લાભ શહેરના તમામ 1.25 લાખ મિલકતધારકો માટે છે. અહીં ઉલ્લેખનીય છે કે, શહેરમાં નગરપાલિકાએ જે ચાલુ સાલ વેરામાં વધારો કર્યો છે તે મામલો પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓમાં પણ ગયો છે. ત્યાં શહેરના એક નાગરિક ભરત શાહે વેરા વધારામાં યોગ્ય પ્રક્રિયા હાથ ન ધરાઇ હોવાનું જણાવ્યું છે.

હાલ સુધીમાં 61 ટકા વસૂલાતનો દાવો
નાણાંકીય વર્ષ 2021-22 પૂર્ણ થવાને માંડ હવે 26 દિવસ જ બાકી રહ્યાં છે. પાલિકાનું વેરામાંગણુ બીલ 24 કરોડ રૂપિયા જેટલું છે, જેની સામે 61 ટકા વસૂલાત હાલ સુધી થઈ ગયાનું વેરા અધિકારી રાજેશ ગાંધીએ જણાવ્યું હતું.

8 ગામની મિલકતોને અગાઉ જ રાહત અપાઇ
નગરપાલિકામાં જે 8 ગામ સમાવાયા છે, તેમાંથી ભારે વિરોધ બહાર આ‌વ્યો હતો. અહીં 25 હજાર જેટલી મિલકતો આવેલી છે. અહીંના મિલકતધારકોને જ વેરામાંગણા બીલ અપાયા હતા, તેમાં ભારે વધારો કરાતા ઠેરઠેરથી નારાજગી બહાર આવી હતી. પાલિકામાં સમાવાયા પછી સુવિધામાં ખાસ વધારો ન કરવા છતાં વેરો વધારાયો હોવાનો આક્ષેપ હતો. આખરે પાલિકાએ ઉક્ત 8 ગામના વિસ્તારોમાં આવેલી મિલકતોનો ડ્રેનેજ વેરો નહીં લેવાની જાહેરાત કરવી પડી હતી.

મિલકત સીલની નોટિસો અપાઇ છે
નવસારી-વિજલપોર નગર પાલિકાએ વેરા વસૂલાત કરવા કડકાઈ શરૂ કરી છે. વેરા માટે સરકારતે પ્રોત્સાહક યોજના પણ જાહેર કરી છે.તે અંતર્ગત 200થી વધુ મિલકતધારકોને બાકી વેરા મુદ્દે મિલકત સીલ કરવાની નોટિસ પણ આપી દીધી છે. વસૂલાત માટે ટીમો પણ બનાવાઈ છે. - રાજેશ ગાંધી, વેરા અધિકારી, નવસારી-વિજલપોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...