CCTVમાં કેદ ચોર પોલીસ રડારથી દૂર:છેલ્લા 7 દિવસથી નવસારી-વિજલપોર શહેરમાં ચોર-પોલીસ વચ્ચે સંતાકૂકડી, ચોરીની 10 ઘટના

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહમાં ચોરીની 3 ઘટના પોલીસ ચોપડે નોંધાઇ, જ્યારે અન્ય તમામ ઘટનાની ફરિયાદ જ થઇ નથી, આ ચોરી પૈકી 1નો CCTV ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો

નવસારી-વિજલપોર શહેરમાં એક સપ્તાહમાં 3 ચોરીની ઘટના નોંધાઈ છે. જેમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળે માર્કેટમાં ખરીદી કરવા જતાં એક કલાકમાં જ બંધ ઘરમાંથી ચોરીની ઘટના નોંધાઈ હતી. તે જ દિવસે રાત્રિના સમયે ચારપુલ પોલીસ ચોકીથી થોડા જ મીટરના અંતરે આવેલા બંધ ઘરમાંથી 63 હજારની રોકડની ચોરી થવાની ઘટના બની છે. જો કે છેલ્લા એક સપ્તાહથી નવસારીના કબીલપોર, વિજલપોર અને નવસારી શહેરમાં રાત્રિના સમયે ચોરીની ઘટના નોંધાઈ છે. જેમાં મળસ્કે બંધ ઘરને જ નિશાન બનાવતા તસ્કરો CCTVમા કેદ થયા પણ પોલીસ હજુ તેમને શોધી શકી નથી.

છેલ્લાં એક સપ્તાહથી નવસારી-વિજલપોરના વોર્ડ નંબર-5મા આવેલા કબીલપોર વિસ્તારમાં વસંતવિહાર, સૂર્યદર્શન સોસાયટી, ધર્મિનનગર વિસ્તારમાં રવિવાર અને સોમવારની મધ્ય રાત્રિએ ચડ્ડી-બનિયાનધારી તસ્કરોની હાજરી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ 4 બંધ ઘરોને નિશાન બનાવ્યાં હતા. આ તસ્કરોને સોસાયટીના રહીશોએ સીસીટીવીમાં જોતા તેમનો પ્રતિકાર કરવા જતાં તેમના ઉપર પથ્થરમારો કર્યો હતો. જેના લીધે કબીલપોર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.

બીજા દિવસે વિજલપોરમાં આવેલ એક મોબાઈલની દુકાનનું તાળું તોડીને અંદર મુકેલ મની ટ્રાન્સફરના 1.16 લાખ રોકડા અને 46 મોબાઈલ મળી બે લાખની ચોરી થઈ હતી. આ બનાવના એક દિવસ પહેલા રામનગર, ગોકુલપુરા, રામજી પાર્ક વિસ્તારમાં રાત્રિના સમયે બંધ ઘરમાં ચોરી થઈ હતી. જોકે આ ઘરમાંથી ચોરી થઈ હતી પણ તેના આધાર પુરાવા નહીં હોય તેઓએ હાલમાં ચોરીની ફરિયાદ નહીં નોંધાવી હોવાની માહિતી મળી છે.

ઘટના-1 : પોલીસ ચોકી માત્ર 100 મીટર જ દૂર છતાં 63 હજારના સરસામાનની ચોરી

ઘરમાં ચોરી દરમિયાન ચોરટાઓએ સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો.
ઘરમાં ચોરી દરમિયાન ચોરટાઓએ સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો.

હાલ સુરત અને મૂળ નવસારીના પ્રજાપતિ આશ્રમ રોડ પાસે આવેલ અંકુર મેડિકલની બાજુમાં સાદીકમિયા બચુમિયા શેખે ફરિયાદ નોંધાવી કે તેઓ સુરત ખાતે શિફ્ટ થવાના હોય ઘર બંધ હતું. જેનો લાભ લઇ બંધ ઘરને નિશાન બનાવી ઘરમાં મુકેલ 3 મોબાઈલ કિંમત રૂ.48000 અને ATM કાર્ડ અને રોકડ 15 હજાર મળી કુલ 63 હજાર રોકડાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. ચારપુલ ચોકી આ ઘરથી 100 મીટર દૂર છે છતાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરી કરી ગયા હતા. ઘટનાની એચ.એસ.ભુવા તપાસ કરી રહ્યાં છે.

ઘટના-2 : રામજીપાર્કમાં 3.50 લાખની મતા ચોરાઇ
વિજલપોર શહેરના રામજી પાર્કમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર મુંબઇ લગ્નમાં ગયું હતું. તેનો લાભ લઇ તેમના બંધ ઘરમાંથી પણ બે દિવસ પહેલા રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી. જેમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આશરે રૂ 3.50 લાખની ચોરી થયાની માહિતી મળી છે. જોકે આ બાબતે ફરિયાદીએ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આગામી દિવસોમાં ફરિયાદ નોંધાઇ તેવી શક્યતા છે.

ઘટના-3 : રોકડ સાથે સિલિન્ડર તસ્કરો ઉપાડી ગયા
વિજલપોરના રામનગરમાં અવધેશ વિદ્યાસાગર નામના શ્રમજીવી પોતાનું ઘર સવારે બંધ કરી પોતાના કામ અર્થે બહાર ગયા હતા. તેઓ રાત્રિના સમયે આવીને જોતા તેમના ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરમાં તાળું બીજુ હતું તે તોડીને તસ્કરોએ પ્રવેશ કરી ગેસનો સિલિન્ડર અને રોકડા 1600 અને અન્ય ડોક્યુમેન્ટની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાઈ ન હતી.

તમામ ચોરીના બનાવ રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસામા જ બન્યાં છે
નવસારીમાં રાત્રિના 3થી 4.30 વાગ્યાના અરસામાં મોટાભાગે ચોરીની ઘટના બની છે. આ દરમિયાન પોલીસ મુખ્ય માર્ગો અને સોસાયટીમાં પણ એકવાર પેટ્રોલિંગ કરે તેમ સ્થાનિક લોકોની માંગ છે. મોટાભાગે તસ્કરો રાજમાર્ગો પર આવેલ નહીં પણ મહોલ્લા કે ગલીમાં આવેલા ઘરોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે.

CCTVની ચોરીનો ભેદ ઉકેલવા મહત્વની ભૂિમકા
નવસારીમાં જ્યા પણ ચોરીની ઘટના બની તે વિસ્તારમાં લોકલ કેમેરા પોલીસને તસ્કરોને પકડવામાં મદદ કરશે તેમ લાગી રહ્યું છે. નવસારી પોલીસ દ્વારા CCTV પણ રાજમાર્ગો પર મુકાયા છે પણ અંદરના માર્ગો પર સ્થાનિક લોકોએ જાગૃતિના ભાગરૂપે મુકેલા CCTV જ કામ લાગ્યા છે. જેમાં પોલીસને 24 કલાકમાં એક ચોરીની ઘટનાને ઉકેલવામાં સ્થાનિક કેમેરાની ઘણી મોટી ભૂમિકા રહી છે.

ચોરીની ઘટના અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે
રાત્રિના સમયે ચોરીની ઘટના નહીં બને અને તેને અટકાવવામાં માટે દરેક પોલીસ અધિકારીઓની મિટિંગ લઈ તેમને સૂચનો આપવામાં આવ્યા છે. રાત્રિ પેટ્રોલિંગ સઘન કરી છે. >ઋષિકેશ ઉપાધ્યાય, SP, નવસારી.

અન્ય સમાચારો પણ છે...