નવસારીમાં દોઢ લાખ રૂપિયાના ચેક બાઉન્સ થવાના કેસમાં કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ અંગે દાખલ ફરિયાદ મુજબ નવસારીના રાચયંદ રોડ વિસ્તારમાં રહેતા દિગમ્બર પરશરામ ચૌધરીને કબીલપોર વિસ્તારના પ્રથમ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદ જયંતિલાલ પટેલ સાથે સંબંધ હોય હર્ષદભાઈને 1.50 લાખ રૂપિયાની જરૂર પડતા દિગમ્બર ચૌધરીએ દોઢ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, જે પરત આપવાની ખાતરી હર્ષદભાઈએ આપી હતી.
આ નાણાં માટે હર્ષદભાઈએ 1.50 લાખ રૂપિયાનો એસબીઆઈ બેંકનો ચેક દિગમ્બરને આપતા આ ચેક વસૂલવા માટે નાંખતા અપૂરતા ભંડોળના કારણે પરત થયો હતો. જેથી જેની જાણ કરવા છતાં હર્ષદભાઇએ યોગ્ય દાદ ન આપતા વકીલ મારફત નોટિસ આપી હતી પણ તેનો પણ જવાબ ન આપ્યો. બાદમાં આ મામલો કોર્ટમાં ગયો હતો જ્યાં ફરિયાદી દિગમ્બર ચૌધરી તરફે એડવોકેટ અલ્પેશ બારોટે દલીલો કરી હતી. નવસારીની અધિક જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના ન્યાયાધીશ મોહિત ત્રિવેદીએ ચૂકાદો આપ્યો હતો. ચૂકાદામાં આરોપી હર્ષદ પટેલને ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138ના ગુનામાં તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
વધુમાં ચેકની રકમ 1.50 લાખ વળતર પેટે ચૂકવવા પણ જણાવ્યું. જો વળતર નહીં ચૂકવે તો વધુ પાંચ મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ હકીકતો પુરાવાના આધારે પુરવાર કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.