નવસારી જિલ્લામાં છેલ્લા 10 દિવસ દરમિયાન કોરોનાના પ્રતિ 737 કેસ એ 1 દર્દીનું મૃત્યુ થયું છે, જે મૃત્યુદર ટકાવારીમાં 0.13 ટકા દર્શાવે છે. નવસારી જિલ્લામાં પણ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને હાલના દિવસો દરમિયાન કેસોમાં ભારે વધારો થયો છે.સરકારી રેકર્ડ ઉપર પણ મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે.જોકે જે રોકેટ ગતિએ કેસોમાં વધારો થયો છે તેની સામે કોવિડ પોઝિટિવ દર્દીઓના મૃત્યુની સંખ્યા ખૂબ જ ઓછી છે. છેલ્લા 10 દિવસ દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલ કેસોની વાત કરીએ તો 1474 કેસ જિલ્લામાં નોંધાયા છે, જેમાં 2 જણાના મૃત્યુ થયા છે.
14 મીએ 1 અને 15મીના રોજ 1 એમ 2 જણાના મૃત્યુ સતત બે દિવસ દરમિયાન થયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ 737 કેસ એ 1 દર્દીનું મૃત્યુ થયું છે. મૃત્યુદરની ટકાવારી તો માત્ર 0.13 ટકા જ છે.અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં તો 511 કેસ નોંધાયા છે પણ કોઈ જ દર્દીનું મૃત્યુ થયું નથી. બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં મૃત્યુદરની સ્થિતિમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે.
સ્મશાનમાં પણ કોવિડ મૃતદેહો ખૂબ જ ઓછા
બીજી લહેરમાં નવસારીના સ્મશાનગૃહોમાં કોવિડ મૃતકોની સંખ્યા ખુબ જ વધી ગઈ હતી અને રોજ 15થી 25 જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી એપ્રિલ-મે માસમાં અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા. મૃત્યુને લઇને રીતસર હાહાકાર મચી ગયો હતો. જોકે હાલ એવું નથી. સરકારી રેકર્ડ પર તો મૃત્યુ આંક નહીંવત છે સાથે સ્મશાનગૃહે સરકારી રેકર્ડ ઉપર નહીં હોય તેવા કોવિડ મૃતદેહો પણ ખુબ જ ઓછા આવી રહ્યાંની જાણકારી મળી છે.
વાયરસ ઇન્ફેકટેડ વધુ, મારક ક્ષમતા ઓછી
હવે ઘણા લોકોમાં હર્ડઇમ્યુનીટી આવી ગઇ છે. બીજુ કે હાલનો કોવિડ વાયરસ અગાઉની સરખામણીએ ઇન્ફેકટેડ તો વધુ છે પણ તેની મારક ક્ષમતા પણ ઓછી જણાઇ છે તથા વેક્સિનેશનની પણ અસર હોય મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી છે. > ડો. ધર્મેશ પટેલ, તબીબ, નવસારી
ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત
હાલમાં જે કેસો બહાર આવી રહ્યા છે તેમાં ખૂબ જ ઓછા કેસો ગંભીર છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં પણ ઓક્સિજન આપવાની અને વેન્ટિલેટરના ઉપયોગની તો ભાગ્યે જ જરૂર પડી રહી છે. મહત્તમ કેસોમાં દર્દીઓને સામાન્ય ચિહ્નો હોય છે અને તેઓ હોમ આઇસોલેશનમાં રહીને જ સાજા થઇ રહ્યાનું જોવાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.