મુંબઈ વેસ્ટમાં આવેલા વસઈમાં રહેતા હનમતસિંહ લેખરામ છીરોલીયા (ઉ.વ. 36) તેમના મિત્રો સાથે ગુજરાતમાં આવેલ કીમ-કોઠવાની પ્રસિદ્ધ દરગાહના દર્શન કરવા માટે અજગરઅલી (ઉ.વ. 50, રહે. બાંદ્રા, વેસ્ટ મુંબઈ), મહાદેવ વામન પરબ (ઉ.વ. 52, અંધેરી, મુંબઈ), હઝરત અલી (ઉ.વ.આ. 65, મુંબઈ) સાથે કાર (નં. MH-02-EE- 8133)ના ચાલક સુનિલ ચુનીલાલ સોની (ઉ.વ. 40, રહે. અંધેરી, મુંબઈ) સાથે સોમવારે મુંબઈથી આવ્યા હતા. એક દિવસ સુરતની હોટેલમાં રોકાઈ તેઓ કીમ-કોઠવાની દરગાહના દર્શન કરી પરત મુંબઈ જવા નીકળ્યાં હતા.
દરમિયાન હાઈવે નં. 48 પર વેસ્મા પાસે આવેલી લિબર્ટી હોટેલ નજીકથી ટર્ન લેતી વખતે સાંજે 4 વાગ્યાના અરસામાં ચાલક સુનિલને ઝોકુ આવી જતા કાર દિવાલ સાથે અથડાઈ હતી. જેને પગલે કારમાં બેસેલા ચાલક સહિત 5 જણાંને ઇજા પહેંચી હતી. જેમાં હઝરતઅલી (ઉ.વ.આ. 65)ને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય ચાર પૈકી અજગર અલીને બંને પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઇજા તેમજ અન્યોને નાની મોટી ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની પીએસઆઈ પી.વી.પાટીલ તપાસ કરી રહ્યાં છે. પીએસઆઈ પાટીલે જણાવ્યું કે ઘટનાની ખબર પડતા બેને સિવીલ હોસ્પિટલમાં અને બેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે એકનું મોત થયું હતું. તેમના પરિવાર સાથે વાત કરી છે.
અમે સુતેલા હતા, જાગ્યા તો તમામ લોહીલુહાણ
કીમની દરગાહના દર્શન કરી પરત અમે મુંબઈ ફરતા હતા ત્યારે હું, અજગરઅલી અને હઝરતઅલી કારની પાછળ બેસેલા હતા. અચાનક અવાજ આવ્યો અને ઉંઘમાંથી ઉઠીને જોતા તમામ લોહીલુહાણ હાલતમાં હતા. બચાવો બચાવોની બૂમો પાડતા લોકો આવી જઈ કારમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા. - હનમતસિંઘ છીરોલીયા, ઇજાગ્રસ્ત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.