આયોજન:વ્યાજખોરીના દુષણ બાબતે અમને ખાનગીમાં પણ જણાવી શકો : પોલીસ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામમાં વ્યાજખોરીનું દુષણ ડામવાના ભાગરૂપે લોકદરબાર યોજાઇ ગયો

ગેરકાયદે વ્યાજખોરીનું દુષણ ડામવાના અભિયાન અંતર્ગત ખેરગામ સેવાસદનમાં ચીખલી પીઆઇ કે.જે.ચૌધરી, ખેરગામ પીએસઆઇ જયદીપસિંહ ચાવડા અને પીએસઆઇ જે.બી.જાદવની ઉપસ્થિતિમાં ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રના 35 ગામનો લોકદરબાર યોજાયો હતો. જેમાં કાયદો વ્યવસ્થા બાબતે પણ લોકોએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ બાબતે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીનું દુષણ ડામવા લોકોને માર્ગદર્શન આપવા લોક દરબારનું આયોજન ખેરગામમાં કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઇ ચૌધરીએ લોકોને નાણાં ધીરનાર અધિનિયમ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પીએસઆઈ જયદીપસિંહ ચાવડાએ લોકોને જાણકારી આપતા જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર રાજ્યમાં નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ લોકોમાં જાગૃતિ લાવવા અને કાયદાની જાણકારી આપવા એક મહિના માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે, લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે નાણાં વ્યાજે આપનારની માહિતી આપવા તથા વ્યાજના દુષણને ડામવા લોકોનો સહકાર મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ દુષણથી પીડિત કોઈ વ્યક્તિ જાહેરમાં બોલી શકે એમ નહીં હોય તો અમને ખાનગી રીતે મળીને જાણ કરવા જણાવ્યું હતું. આ લોક દરબારમાં ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ, કોંગ્રેસ પ્રમુખ સશીનભાઈ પટેલ, સરપંચ ઝરણાબેન પટેલ, મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ લીનાબેન અમદાવાદી સહિત તાલુકાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુગલમેપમાં બજારના બદલે બાયપાસ રસ્તાને સમાવવા માંગ થઇ
ખેરગામના આગેવાનોએ ગૂગલ મેપમાં બજારનો રસ્તો બતાવતો હોવાથી બજારમાં બિનજરૂરી ટ્રાફિક સર્જાય છે, ગૂગલ મેપમાં આ રસ્તાને બદલે બાયપાસ રસ્તાને સમાવવા આવે તો બિનજરૂરી વાહનો બહારથી જ બાયપાસ રસ્તે પસાર થાય અને બજારમાંથી ટ્રાફિક હળવો થઈ શકે એ બાબતે પણ લોક દરબારમાં ચર્ચા થઈ હતી. જ્યારે કાયદો-વ્યવસ્થાને લાગતા અન્ય પ્રશ્નો પણ લોકોએ લોક દરબારમાં રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...