તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોપણીનો પ્રારંભ:ખેરગામ તાલુકામાં વરસાદનું આગમન થતાં ડાંગરના પાક માટે ખેડૂતો વાવણીમાં જોતરાયા

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરું નાંખ્યાના 20 થી 25 દિવસનો સમયગાળો પૂર્ણ થતાં રોપણી માટે તૈયાર

ખેરગામ તાલુકામાં ચોમાસુ શરૂ થતાં વરસાદનું આગમન થવાની સાથે ખેતરોમાં ડાંગરના પાક માટે ધરું ઉગાડવાની તૈયારી ખેડૂતો દ્વારા પુરજોશમાં કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પિયતની સગવડ નહીં હોવાથી ઘણાં ખેડૂતો વરસાદના આગમન બાદ ડાંગરની વાવણી કરતા હોય છે. છેલ્લા અઠવાડિયામાં વરસાદ આવતા મોટાભાગના ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે.

ડાંગરના પાકનું બહોળું ઉત્પાદન ધરાવતા ખેરગામ તાલુકામાં મોટાભાગના ખેડૂતો ડાંગર અને કેરીનું ઉત્પાદન કરીને તેમાંથી થતી આવકમાંથી વર્ષ દરમિયાન પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ વખતે ચોમાસુ શરૂ થઈ જવાની સાથે વરસાદનું આગમન થતા ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગર માટેનું ધરું ઉછેરવાની શરૂઆત કરી દીધી છે. ધરું નાંખ્યા બાદ તેને રોપણીલાયક થવામાં 20 થી 25 દિવસનો સમય લાગે છે.

દર વર્ષે પિયતની સગવડ ધરાવતા ઘણાં ખેડૂતો શરૂઆતના તબક્કામાં વાવણી કરી દેતા હોય છે. અંતરિયાળ વિસ્તારના મોટાભાગના ખેડૂતો જેઓ વરસાદ આધારિત ડાંગરની ખેતી કરતા હોય છે, આવા ખેડૂતો વરસાદ આવ્યા પછી જ ડાંગરની વાવણી કરતા હોય છે. ખેરગામ પોમાપાળના ખેડૂત ઠાકોરભાઈ પટેલના જણાવ્યા મુજબ થોડો વહેલો પરંતુ વાવણી લાયક વરસાદ આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં મોટાભાગના ખેડૂતોએ ધરું નાંખવાની કામગીરી કરી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ધરૂં તૈયાર થતાં રોપણી શરૂ કરાયા હોવાની પણ માહિતી મળી છે.

ખેરગામમાં મોસમનો કુલ 9 ઇંચ વરસાદ
ખેરગામ તાલુકામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 9 ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે. મંગળવારે સાંજે 4 થી બુધવારે સાંજે 4 સુધી 24 કલાકમાં 54 મિમી જેટલો વરસાદ પડ્યો હતો. બુધવારે મળસ્કેથી શરૂ થયેલો વરસાદ સમગ્ર દિવસ દરમિયાન પણ છૂટોછવાયો ચાલુ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...