દુર્ઘટના:ભૈરવીના મેળામાં બે બાઇક સામસામે ભટકતા અકસ્માત, બંને ચાલકના મોત

ખેરગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનો. - Divya Bhaskar
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનો.
  • મોતને ભેટનાર ધરમપુરના યુવાનના 12 દિવસ અગાઉ જ લગ્ન થયા હતા

ખેરગામ તાલુકાના નાંધઇ ભૈરવીમાં આવેલા સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે કોરોના મહામારીના બે વર્ષ બાદ ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું છે. જેમાં મંગળવારની રાત્રે ધરમપુરના વાલોડ ફળિયામાં રહેતા ભવિનભાઈ વિજયભાઈ ધાબડીયા અને તેમની પત્ની ડિમ્પલબેન બાઇક પર રાત્રિના સમયે મંદિરે દર્શન કરી મેળામાં ફરીને પોતાના ઘરે ધરમપુર જઇ રહ્યા હતા.

દરમિયાન ખેરગામ-ધરમપુર રાજ્યધોરી માર્ગ પર ભૈરવી ગામેથી પસાર થતી વેળા આશરે 10.30 વાગ્યાના સમયે સામેથી પૂરઝડપે આવતી બાઇક સાથે સામસામે અથડાતા બંને બાઇક ઉપરથી ચાલકો અને પાછળ બેઠેલાઓ રસ્તા પર પટકાયા હતા.

અકસ્માત થતા આજુબાજુથી લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને 108 બોલાવતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ બંને બાઈકના ચાલક ભાવિન વિજય ધાબડીયા (ઉ.વ. 27) અને દીપેશ ગમન પટેલ (ઉ.વ. 24)નું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.

જ્યારે વિજયભાઈના પત્ની ડિમ્પલબેનને માથાના ભાગે ઇજા થતાં ધરમપુરની હોસ્પિટલમાં તથા દીપેશની પાછળ બેઠલા ભાવેશ ચીમન પટેલને મોઢાના ભાગે ઇજા થતાં પ્રથમ વલસાડ અને ત્યારબાદ આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. મૃતક ભાવિનના પત્ની ડિમ્પલબેને ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગરીબ પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો
ધરમપુરના વાલોડ ફળિયા વાવ નજીક મામાને ઘરે રહેતા અકસ્માતમાં જીવ ગુમાવનાર હુલામણા નામ ભાવુથી જાણીતા આશરે 27 વર્ષીય આદિવાસી યુવાન ભાવિન વિજયભાઈ દાભડીયા ત્રણ બહેનોનો એક માત્ર ભાઈ હતો. ગરીબ આદિવાસી પરિવારના આ યુવાનના લગ્ન માત્ર 12 દિવસ અગાઉ થયા બાદ અકસ્માતમાં મૃત્યુ થતા ગરીબ પરીવાર પર આભ તૂટી પડ્યું છે. સમાજના દરેક કામમાં સહકાર આપનારા આ યુવાનના અકાળે થયેલા મૃત્યુથી ગરીબ અાદિવાસી પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...