રાજનૈતિક વાતાવરણમાં ઉલેટફેર:શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ખેરગામ તાલુકાના ગામોમાં ચૂંટણીલક્ષી માહોલમાં ગરમાવો

ખેરગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના 22 ગામોમાં પોતપોતાની તાસીર અને લાક્ષણિકતા પ્રમાણે રાજનૈતિક વાતાવરણમાં ઉલેટફેર જણાઇ રહ્યાં છે

ગણદેવી અને વાંસદા એમ વિધાનસભાની બે બેઠકો વચ્ચે વહેંચાયેલા ખેરગામ તાલુકાના ગામોમાં શિયાળાના આગમન સાથે ફૂલ ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચૂંટણીલક્ષી માહોલમાં ધીરેધીરે ગરમાવો આવી રહ્યો છે. વિધાનસભાની ગણદેવી બેઠક ઉપર ચૂંટણીના પગલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા ચૂંટણી પ્રચારના પડઘમ વચ્ચે રાજકીય માહોલ શિયાળાના આગમન અને ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગરમાય રહ્યો છે.

ખેરગામ તાલુકાના 22 ગામ પૈકી 16 ગામો ગણદેવી વિધાનસભામાં અને 6 ગામો વાંસદા વિધાન સભાના મત વિસ્તારમાં આવે છે. વિવિધ ગામોમાં પોતપોતાની તાસીર અને લાક્ષણિકતા પ્રમાણે વાતાવરણ બદલાય રહ્યું છે. મુખ્ય પક્ષના ઉમેદવારો પણ મતદારોને મનાવવા ગ્રામ્ય વિસ્તારોમાં ફળિયે ફળિયે જઈ લોકોને વચનો દ્વારા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

લોકોમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, ફળિયામાં ઓટલે કે વિવિધ બેઠકો ઉપર લોકોમાં ચૂંટણીની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે અને પોતપોતાના અભિપ્રાયો થકી ઓટલે-ખાટલે બેઠા બેઠા રાજકીય સમીકરણ વિચારાય રહ્યા છે. ચૂંટણીના પડઘમ વચ્ચે ખેરગામ વિસ્તારમાં ત્રણેય પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જે પૈકી મતદારો આવનારી 1લી ડિસેમ્બરના મતદાનમાં કોને વધુ મહત્વ આપશે એ તો મતદારોના મિજાજ ઉપર જ નિર્ભર રહેશે.

તોરણવેરામાં વારલી અને કુંકણા સમાજના મતદારો વધુ
તોરણવેરા ગામ વાંસદા વિધાનસભા બેઠકમાં આવે છે. 2450ની આસપાસ મતદારો ધરાવતા આ ગામમાં વારલી અને કુંકણા સમાજના મતદારો વધુ છે. અહીં ખેતીમાં સિંચાઈનો પ્રશ્ન વર્ષોથી છે. રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ગામમાં ચૂંટણી પ્રચાર દ્વારા મતદારોને મનાવવા પ્રયાસો થઈ રહ્યા છે.ચૂંટણીના પ્રચાર વચ્ચે લોકોમાં રાજકીય ચર્ચાઓ પણ જોર પકડતા માહોલ ગરમાય રહ્યો છે.

ગૌરી ગામમાં 1 હજારથી વધુ મતદાતા છે
ગૌરી ગામમાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ગામમાં કુલ એકાદ હજારથી વધુ મતદાતા છે. જેમાં ઘોડિયા પટેલ અને નાયકા સમાજના મતદારો સૌથી વધુ છે. ચૂંટણીમાં ઉભેલો ઉમેદવાર કેવો છે અને કેટલો સક્ષમ છે તેની અને અલગ અલગ પક્ષ અને તેના દ્વારા અપાયેલા વચનો વિશે ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે. ચૂંટણીલક્ષી ગરમાવો હવે અંતિમ ચરણમાં ચરમસીમાએ પહોંચશે.

આદિવાસી મતદારોનું પ્રભુત્વ
આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતા ખેરગામમાં રાજકીય પક્ષો દ્વારા વિવિધ મુદ્દા ઉપર વાતો થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ઉમેદવાર ઉભા કરતા ખેરગામ તાલુકામાં આ ચૂંટણીમાં સૌથી વધુ મત કોણ મેળવશે એના ઉપર લોકોની મીટ મંડાયેલી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ગણદેવી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર 57266 મતોથી આગળ રહ્યાં હતા. જેમાં ખેરગામ તાલુકામાં આશરે 1800 મતોની લીડ ભાજપના ઉમેદવારને પ્રાપ્ત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...