રજૂઆત:ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ કરવા માટે ઘેજના આદિવાસી પરિવારની માગ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરગામ વીજ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ઘેજમાં છેલ્લા ઘણા સમયથી વીજ ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ નહીં કરાતાં આસપાસના લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ગ્રામજનોએ ગત મહિને રજૂઆત પણ કરી હતી છતાં કોઈ કામગીરી નહીં થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેરને સ્થાનિકોએ ફરીથી રજૂઆત કરી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

ઘેજના ખુશાલ ફળિયામાં વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલું છે. મહત્તમ અવરજવરવાળા આ વિસ્તારમા ટ્રાન્સફોર્મર ફરતે કોઈ ફેન્સિંગ નહીં થતા અકસ્માત થવાનો ભય લોકોને સતાવે છે. કેટલીકવાર બાળકો રમત રમતમાં ટ્રાન્સફોર્મર પાસે પહોંચી જાય છે. અગાઉ જોખમી ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ કરવા 16મી સપ્ટેમ્બર 2021 એ ખેરગામ વીજ કંપનીને આવેદન પણ પાઠવ્યું હતું પરંતુ કોઈ કામગીરી નહીં થતાં પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. સોમવારે લોકોએ ફરીથી રજૂઆત કરી હતી અને સાત દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં તાત્કાલિક વીજ ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ નહીં થાય તો કોઈપણ અકસ્માત થશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવો પણ આદિવાસી પરિવારે સહી સાથે પાઠવેલા આવેદનમાં ઉલ્લેખ કર્યો છે.

વર્ક ઓર્ડર આવે એટલે કામગીરી હાથ ધરાશે
ફેન્સિંગ માટેની કાર્યવાહી ડિવિઝન કચેરીથી થતી હોય છે અને ત્યાંથી ટેન્ડર બહાર પાડવામાં આવે છે ત્યારબાદ વર્કઓર્ડર આવ્યા પછી કામગીરી કરવાની હોય છે. અમે આ અરજી બાબતે ઉપલી કચેરીએ જાણ પણ કરેલી છે, વર્ક ઓર્ડર આવે એટલે કામગીરી હાથ ધરાશે.
> એન.જી.પટેલ, ના.ઇ., ખેરગામ વીજ કંપની

અન્ય સમાચારો પણ છે...