સિયાદા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા ધોરણ-3માં અભ્યાસ કર્યા 8 વર્ષીય વિદ્યાર્થીને પ્રશ્નના જવાબ ન આવડતા તથા સ્વાધ્યાય પેપર બાબતે તેને પીઠમાં ઢીક મુક્કીનો માર મારવાનો આક્ષેપ સાથે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી ગયો હતો. વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા પોલીસમાં ફરિયાદ આપી હતી.
ચીખલી તાલુકાના સિયાદા કણબીવાડમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક જેઓએ કણભઇ દેસાઈ ફળિયામાં રહેતા દિલીપભાઈ મનછુભાઈ સોલંકીના ધોરણ-3માં અભ્યાસ કરતા દિકરા પ્રિયાંશકુમાર (ઉ.વ. 8) જેને સ્કૂલમાં પ્રશ્નના જવાબ નહીં આવડતા બાબતે તથા સ્વાધ્યાય પેપર બાબતે પીઠમાં ઢીકમુક્કીનો માર મારતા 24મી ફેબ્રુઆરીએ સાંજના પોણા પાંચેક વાગ્યાના સમયે સ્કૂલ કંપાઉન્ડમાં પીઠમાં ઢીકમુક્કીનો માર મારી તેમજ ચાલુ કલાસમાં દીકરા પ્રિયાંશકુમારને ‘તને તારા બાપની સામે મારીશ’ તેમ ધમકાવતા હોવાનો આક્ષેપ બાળકના પિતા દિલીપભાઈ દ્વારા કરવામાં આવ્યો છે.
આ બાબતે તેમણે શિક્ષકને મૌખિક રજૂઆત કરવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઈને જે વિદ્યાર્થીના વાલી અમોને વ્યકિતગત રજૂઆત કરશે તો અમે તે બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન ઓછું આપીશું અને LC કાઢી આપીશું તેમ કહી તેમના દિકરા પ્રિયાંશકુમારને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધાકધમકી આપી હોવાના આક્ષેપ સાથે દિલીપભાઈ સોલંકીએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
વાલીને ત્રણવાર બોલાવવા છતાં આવ્યા ન હતા
SMCની ફરિયાદ નિવરણમાં આ મુદ્દો આવતા બન્ને પક્ષોને સાથે રાખીને સાંભળવા બોલાવ્યા હતા. વાલીને બે-ત્રણ વખત ટેલિફોનિક જાણ કરી છતાં આવ્યા ન હતા. છેલ્લે એમને લેખિતમાં પણ મોકલ્યું હતું. એમણે તા.8મીએ આવવા જણાવતા બંને પક્ષોને રૂબરૂ સાંભળી તેમના જવાબો લેવાશે. બીજા બાળકો તેમજ વાલીઓના પણ જવાબો લેવાશે અને જરૂર જણાશે તો શિસ્તના નિયમ મુજબ કાર્યવાહી કરાશે. આ મામલે જિલ્લા પ્રા.શિ.અધિકારીને પણ રિપોર્ટ કરાયો છે. - જગદીશભાઈ પટેલ, આચાર્ય
મંજૂરી મેળવવા કોર્ટમાં રિપોર્ટ કરાયો છે
સિયાદા પ્રા.શાળામાં છાત્રને મારવા બાબતે વાલીએ ફરિયાદ કરી છે. આ નોન કોગનીઝેબલ ગુનો હોય તપાસ માટે કોર્ટની મંજૂરી લેવાની હોય છે. જેથી મંજૂરી મેળવવા બાબતે કોર્ટમાં રિપોર્ટ કરાયો છે. - એસ.એસ.માલ, પીએસઆઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.