હુકુમ:ખેરગામમાં લગાવાયેલી ધારા 144 ને વધુ 10 દિવસ લંબાવાઇ

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી ટાણે જ પ્રતિબંધને લઇ વેપારીઓમાં તર્કવિર્તક

ખેરગામમાં ધારાસભ્ય ઉપર થયેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ ઉભો થતા કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિ જળવાય રહે તેના ભાગરૂપે વહીવટી તંત્રએ ખેરગામ પોલીસ સ્ટેશનના કાર્યવિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકો ભેગા નહીં થાય તે માટે 9થી 18 ઓક્ટોબર સુધી ધારા 144 લાગુ કરી હતી. જેને તંત્ર દ્વારાવર્તમાન સ્થિતિના પગલે 28મી ઓક્ટોબર સુધી લંબાવામાં આવી છે.

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત 8મી ઓક્ટોબરના રોજ થયેલા હુમલાની ઘટના બાદ ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયા હતા અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ 9મીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તંત્રએ સાવચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે ખેરગામ પોલીસ મથક વિસ્તારમાં ચાર કે તેની વધુ વ્યક્તિના ભેગા થવા ઉપર નવસારી કલેક્ટર દ્વારા 9થી 18 ઓક્ટોબર સુધી જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવી કલમ 144 લાગુ કરી હતી

ત્યારબાદ આ પ્રતિબંધ વધુ લંબાવવા દરખાસ્ત થતા જેને ધ્યાને રાખી 18મીએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખેરગામ નગરમાં કોઈ અવ્યવસ્થા ઊભી નહીં થાય કે અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે તકેદારીના ભાગરૂપે જાહેરનામુ બહાર પાડી 19થી તા.28 ઓક્ટોબર સુધી ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર, મંડળી કે સરઘસ સ્વરૂપે પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સામી દિવાળીએ ખેરગામ વિસ્તારમાં કલમ 144 લાગુ થતા વેપાર ધંધાને પણ અસર થતા નિરવ પટેલે કલેકટરને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...