હાલાકી:ખેરગામના નિવૃત્ત વૃદ્ધ કર્મીને હાયર ગ્રેડ ન મળતા દિવ્યાંગ પુત્ર-મુંગી પુત્રીના ભરણપોષણમાં મુશ્કેલી

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆત છતાં સર્વિસ બુક ન મળતા 76 વર્ષના વૃદ્ધ મળવા પાત્ર લાભોથી વંચિત રહ્યા

ખેરગામના પેલાડી ભૈરવીના ચંદુભાઈ સામજીભાઈ પટેલ ઇ.સ.1973માં માજી મેલેરિયા સરવે ઇન્સ્પેક્ટર તરીકે નોકરીમાં જોડાયા બાદ 9 વર્ષે પ્રથમ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું હતું.અને તે પછી ઉચ્ચ પગાર ધોરણ 2002થી મળવાપાત્ર થતું હતું. અને એ માટે તેમણે તંત્રને રજૂઆત કરી હતી.

દરમિયાન તેમની વય મર્યાદા પૂરી થતી હોય વર્ષ 2003માં નોકરીમાં નિવૃત્ત થયા બાદ એક વર્ષ પહેલાંનું બીજું ઉચ્ચ પગાર ધોરણ નહીં મળતાં 2016થી તેમણે નવસારી ડીડીઓ,જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા મેલેરિયા અધિકારી,ખેરગામ બ્લોક અધિકારી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યને જે-તે સમયે રજૂઆત કરી હતી. અને તંત્ર દ્વારા જિલ્લા સંકલન સમિતિની મીટિંગમાં તમારા માટે રજૂઆત કરીશું એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.તેમણે 2017માં રાજ્યપાલ સમક્ષ પણ અરજી રૂપે તેમની વેદના ઠાલવી પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.જે સંદર્ભે રાજ્યપાલની કચેરીમાંથી તેમને આશ્વાસન રૂપે ફોન કરી તેમને લાભ મળે તે માટે જિલ્લા પંચાયત કચેરીને પત્ર લખી ઘટતી કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.

સર્વિસ બુક શોધવા માણસો પણ કામે લગાડ્યા હતા
આ લગભગ 18 વર્ષ જૂની વાત છે,તે સમયે બહેજ પીએચસી ચીખલી બ્લોકમાં હતી.છતાં સર્વિસ બુક બાબતે ચંદુભાઈ બે ત્રણ વખત કચેરીએ આવ્યા હતા,અમે બહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બધા વર્ષો જુના ડોક્યુમેન્ટ પણ માણસો કામે લગાડી ચેક કરાવ્યા હતા,પરંતુ તેમની સર્વિસ બુક મળી ન હતી. > ભરતભાઇ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ખેરગામ

​​​​​​​પેન્શનમાં વધારો થાય તો થોડી રાહત મળે
24 વર્ષના સમયગાળામાં હાયર ગ્રેડ નહીં મળતાં વર્ષ 2016 થી વિવિધ સરકારી કચેરીમાં રજુઆત કરી છે.આજે 76 વર્ષની ઉંમરે સરકારી કચેરીઓના આંટાફેરા મારવું પડે છે.પરિવારમાં ત્રણ સંતાન છે.જેમાં બે અવિવાહિત અપંગ પુત્ર અને મૂંગી પુત્રીની જવાબદારી અમારા શિરે છે.પરિવાર ચલાવવા આર્થિક રીતે તકલીફ પડે છે. > ચંદુભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...