કાયમી ઉકેલ ક્યારે?:ખેરગામ બજારમાં ડ્રેનેજ ઉભરાતા મંદિર સુધી ગંદકી ફેલાઇ

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકપ્રતિનિધિઓ બદલાયા પરંતુ આજદિન સુધી ભૂગર્ભ ગટર યોજના સાકાર કરવામાં વામણાં

આશરે 20 હજાર આજુબાજુની વસતિ ધરાવતા ખેરગામ વિસ્તારમાં આજસુધી સરકારની ડ્રેનેજ યોજના કાર્યરત ન થતા હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે ખાનગી ગટરલાઈનનું પાણી વરસાદી ગટરમાં જતા ઇ.સરપંચે ઝંડાચોક ખાતે ગટરનું સ્થળ નિરીક્ષણ કરી ગટરનું ગંદુ પાણી બહાર વરસાદી ગટરમાં આવતું બંધ કરવા ગટરના સંચાલકોને જાણ કરી હતી.

ખેરગામ બજારમાં વર્ષોથી પાઇપલાઇન મારફત ડ્રેનેજનું પાણીના નિકાલ માટે ખાનગી ગટર લાઇન બનાવવામાં આવેલી છે,જેમાં ડ્રેનેજ લાઈન વારંવાર ઉભરવાના બનાવો બનતા ભૂતકાળમાં અનેક વિવાદ થયા છે. ખેરગામમાં વર્ષોથી ઉદભવતી આ સમસ્યા માટે અનેક સરપંચો તેમજ લોકપ્રતિનિધિઓ બદલાયા પરંતુ આજદિન સુધી નવી ડ્રેનેજ લાઈન સાકાર કરવામાં ન આવી હોવાનો લોકોમાં ભારે અસંતોષ છે.

છેલ્લા કેટલાક દિવસથી ઝંડાચોક વિસ્તારમાં ગટર લાઈનનું પાણી બ્લોક થતા વરસાદી ગટરમાં ડ્રેનેજનું ગંદુ પાણી વહેતુ થયું છે તેમજ ગંદુ પાણી ભવાની માતાના મંદિરની પાછળથી પણ વહેતુ હોય ત્યાં રહેતા સ્થાનિક રહીશોએ ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. શુક્રવારે ગામના વેપારી અગ્રણી પંકજ મોદી, મનોજ સોની તેમજ સરપંચ સહિતના આગેવાનો સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરતા પંકજ મોદીએ આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે સરપંચ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

મંદિર પાછળથી ગંદુ પાણી પસાર થાય છે
ખેરગામ બજારથી ઝંડાચોક વિસ્તારમાંથી પસાર થયેલી ખાનગી ગટર લાઇનનું પાણી બ્લોક થતા વરસાદી ગટરમાં બધું ગંદુ પાણી આવે છે,અને ભવાની માતાના મંદિરના પાછળથી પાણી પસાર થાય છે.જેના કારણે મંદિરની આજુબાજુમાં રહેતા લોકોને દુર્ગંધ આવતા રોગચાળો ફાટવાની દહેશત વર્તાય રહી છે. > મનોજ સોની, સ્થાનિક રહીશ

ડ્રેનેજ યોજનાની જવાબદારી કોની ?
ખેરગામ ગામમાં પંચાયત કે સરકાર તરફથી ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી,માત્ર ખાનગી ગટર ઘણાં વર્ષ જૂની છે,પરંતુ તેમાં છેલ્લા એક બે વર્ષથી મેઈન્ટેનન્શ ન થતા લાઇન ખરાબ થઈ જાય છે,અને પાણી બધું બહાર આવે છે. પંચાયત એમ કહે કે અમારી કોઈ જવાબદારી નથી, તો ગામની આ ડ્રેનેજ યોજનાની જવાબદારી કોની ? ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ માત્ર ચૂંટણીના સમયે વચન આપે છે. > પંકજ મોદી, વેપારી અગ્રણી, ખેરગામ

સંચાલકોને જાણ કરાઇ છે
ઝંડાચોક વિસ્તારમાં બજારની ખાનગી ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતા ગંદુ પાણી વરસાદી ગટરમાં આવતું હોવાની જાણ થતાં અમે ઝંડાચોકના ચેમ્બરની સ્થળ ચકાસણી કરી ગટરના સંચાલકોને ગંદુ પાણી બહાર આવતું બંધ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જાણ કરી છે.> કાર્તિક પટેલ,ઇ.સરપંચ,ખેરગામ

અન્ય સમાચારો પણ છે...