ગ્રામ પંચાયત ચૂંટણી:સૌથી ઓછા મતદારો ધરાવતા ખેરગામના ચીમનપાડામાં 7 ઉમેદવાર સરપંચપદે મેદાનમાં

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના તમામ 8 વોર્ડમાં સભ્યો બિનહરીફ જાહેર થતા હવે સરપંચના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર

ખેરગામ તાલુકામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 70 જેટલા ઉમેદવારો સરપંચપદ માટે મેદાનમાં છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેવાની શક્યતા છે. ખાસ કરીને તાલુકાના ચીમનપાડા ગામમાં જ્યાં મતદારોની સંખ્યા તાલુકામાં સૌથી ઓછી 822 જેટલી છે,ત્યાં સાત ઉમેદવારોએ સરપંચ માટે દાવેદારી કરી છે અને ગામના તમામ આઠેઆઠ વોર્ડ સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ત્યારથી ખેરગામ તાલુકામાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યો પોતપોતાની બેઠકો કબજે કરવા ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં છે ત્યારે તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં નાની ગ્રામ પંચાયત જ્યાં મતદારોની સંખ્યા ઓછી છે તેવા અમુક ગામોમાં આ વખતની ચૂંટણી વધુ રસાકસીભરી બની રહેવાની શક્યતા જણાય રહી છે.

ખેરગામ તાલુકાનું ચીમનપાડા ગામ જ્યાં મતદારોની સંખ્યા માત્ર 822 જ છે. આ ગામમા આઠ વોર્ડ છે,જેમાં બધા જ 8 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યાં હવે સરપંચપદ માટે ચૂંટણી યોજાશે. જેમાં સાત ઉમેદવાર મેદાનમાં છે. કાકડવેરી ગામમાં પણ મતદારોની સંખ્યા 1609 છે, જ્યાં પાંચ ઉમેદવાર વચ્ચે સરપંચપદ માટે સીધી ટક્કર થશે.

તાલુકાના 198 પૈકી 65 વોર્ડ સભ્ય બિનહરીફ
ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતમાં કુલ 198 વોર્ડમાં ઉમેદવારી થઈ હતી. જેમાં 65 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે 133 વોર્ડમાં ચૂંટણી યોજાશે. બિનહરીફ થયેલા 65 વોર્ડ પૈકી ચીમનપાડામાં 8, નાંધઈમાં 5, આછવણીમાં 1, કાકડવેરી 1, ગૌરી 1, જામનપાડા 2, ડેબરપાડા 5, તોરણવેરા 1, ધામધુમા 2, નડગધરી 4, નારણપોર 2, પણંજ 8, પાણીખડક 1, પેલાડભૈરવી 8, બહેજ 1, ભૈરવી 7, વડપાડા 5 અને વાવ ગામમાં 3 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે.

ખેરગામ પંચાયતની ચૂંટણી માટે લોકોમાં ભારે ઉત્સુકતા
તાલુકામાં સૌથી મોટી ગણાતી ખેરગામ ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમતેમ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. ખેરગામમાં આ વખતે મહિલા સરપંચપદ માટે વર્તમાન ઇ.સરપંચ કાર્તિક પટેલના પત્ની મોહિનીબેન તેમજ તાલુક પંચાયતના માજી સભ્ય જગદીશભાઈના પત્ની મામતાબેન અને માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ પટેલના પત્ની ઝરણાબેન પટેલે ઉમેદવારી કરી છે. આ ત્રણેય ઉમેદવારો વચ્ચેની ચૂંટણી રસાકસી ભરી બની રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...