શ્રાદ્ધ મહિમા:નાંધઈમા બુધવારી અમાસે સામૂહિક પિતૃ મોક્ષ યજ્ઞમાં વિનામૂલ્યે કોરોના ભોગીઓનુ તર્પણ કરાશે

ખેરગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઔરંગા નદીના તટે ધર્માચાર્ય પરભુદાદા દ્વારા આયોજન કરવામાં આવ્યું

કોરોના મહામારીની બીજી લહેર બધે જ બહુ ઘાતક નીવડી હતી. ખેરગામ સાર્વજનિક સ્મશાન ભૂમિ ખાતે માર્ચથી જુલાઈ સુધીમાં અનેક મૃતકોને અગ્નિ સંસ્કાર કરાયા હતા.બુધવારે નાંધઇના ગુપ્તેશ્વર મંદિરે ઔરંગા તટે ધર્મચાર્ય પ્રભુદાદા દ્વારા સામુહિક પિતૃ શ્રાદ્ધનું આયોજન કરાયું છે, જેમાં જે લોકો આર્થિક રીતે આ વિધિ સંપન્ન કરી શકતા ન હોય તેમના માટે પણ દાદા તરફથી વિના મૂલ્યે પિતૃ તર્પણ કરાવવનું આયોજન કરવામાં આવ્યું છે.

મૃતઆત્માઓ માટે કેટલાક કુટુંબીજનોને તો અંતિમ દર્શન પણ થયા નથી, તેવા અનેકે પોતાના સ્વજનો ગુમાવ્યા, કુટુંબો વેરવિખેર થયા અને તેઓના માટે વિધિવત શાસ્ત્રોક્ત સારણ ક્રિયા પણ થઈ નહીં જેમાં માર્ગદર્શિકા અવરોધક હતી. હવે ભાદરવાના પિતૃપક્ષમાં કેટલાક શ્રાદ્ધ ક્રિયા કરી રહ્યા છે પરંતુ કેટલાકની આર્થિક સ્થિતિ સારી ના હોય સારણ ક્રિયા કરી શકતા નથી, તેવા માટે કે સક્ષમ હોય તેવા પણ સર્વ પિતૃ અમાસ, બુધવાર તારીખ 6 ઓક્ટોબરના રોજ પ્રગટેશ્વરધામ આછવણીના ધર્માચાર્ય પૂજ્ય પરભુદાદા અને રમાબાના સાંનિધ્યમાં પ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ઔરંગા નદીના ઘાટે સામૂહિક પિતૃ મોક્ષ યજ્ઞમાં બેસીને તર્પણ ક્રિયા કરી શકે છે. જેના માટે ભક્તિધામના જેમ કોઈપણ ઉઘરાણુ કરવામાં આવતું નથી, માત્ર તમારે મોબાઈલથી નામ નોંધાવી સંપર્ક કરી સમયસર હાજર રહેવાનું છે.

પિતૃ મોક્ષ યજ્ઞ માટે કશ્યપ જાની અને અનિલ ભાઈ જોશી શાસ્ત્રોક્ત વિધી કરાવશે અને દાંડીવલ્લીના ભૂદેવ હિંમતભાઈ શાસ્ત્રી આશીર્વચન આપવા પધારશે. આ તર્પણસેવાના કાર્યો માટે સેવા સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર દંપતિ તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો તડામાર તૈયારી કરી રહ્યા છે. પૂજા કરનારા અને સાથે આવનારા તમામના માટે પૂજા સમાપ્તિ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

મફતમાં માનતા ન હોય તેમને દાદાનો આગ્રહ
દાદા તરફથી વિના મૂલ્યે પિતૃઓનું તર્પણનું આયોજન થયું હોય કેટલાક લોકો મફતમાં માનતા ન હોય તેવા માટે દાદાનો આગ્રહ છે કે, તમારી અનુકૂળતાએ ગાયને ઘાસ ખવડાવવું, ઘાસચારો આપવો, તમારું પ્રિય વ્યસન હોય તે છોડવાની ટેક લેવી, પક્ષીઓને ચણ નાખવું કે કોઈ એક પવિત્ર વૃક્ષનો છોડ રોપી તેનો ઉછેર કરવો જોઈએ. > બીપીનભાઈ પરમાર,પ્રમુખ, પ્રગટેશ્વર સેવા સમિતિ

સદકાર્યોથી પિતૃને તૃપ્તિ મળે છે
તુલસીનો છોડ રોપવાથી તુલસીને નિયમિત જળ સિંચવાથી વિષ્ણુ ભગવાન અને પિતૃ દેવ પ્રસન્ન થાય છે. પીપળાનો છોડ રોપી દેવો અને પિત્રુનો તેમાં વાસ હોય જળ અર્પણ કરો તો તે પિતૃ સુધી પહોંચે છે. વડને રોપવામાં આવે તો દીર્ઘાયુ બને છે, પૂર્વજોના આશીર્વાદ મળે જે મોક્ષદાયક હોય છે. બિલીપત્રનો છોડ રોપવાથી શિવજી સાથે પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે અને શિવ વિષ્ણુલોકમાં સંબંધ બંધાય છે. આસોપાલવ પણ પવિત્ર છે તે રોગ શોકનો નાશ કરે છે, પિતૃકૃપા મળે અને પિતૃને તૃપ્તિ મળે છે.> પરભુદાદા, ધર્મચાર્ય

અન્ય સમાચારો પણ છે...