ખેરગામના પીઠા ગામના તળાવ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી નમી પડેલા વીજપોલથી લોકોના માથે જોખમ તોળાય રહ્યું હોય વીજકંપનીને જાણ કરવા છતાં કોઈ કામગીરી નહીં થતા પીઠા ગામના એક જાગૃત નાગરિકે ખેરગામ વીજ કંપનીના નાયબ ઇજનેરને લેખિત રજૂઆત કરી હતી જોખમી વીજપોલ દૂર કરવા માંગ કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થવાની તૈયારી છે,ત્યારે ખેરગામમાં નજીકના પીઠા ગામમાં નમી પડેલ વીજપોલ દૂર કરવાની કામગીરી નહીં કરાતાં લોકરોષ જોવા મળી રહ્યો છે. ખેરગામ વીજ કંપનીની પેટા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા પીઠા ગામમાં નમી પડેલો વીજપોલ દૂર કરવા માંગ થઈ છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ખેરગામ કચેરીના નાયબ ઇજનેરને લેખિત રજૂઆતમાં પીઠા ગામના જાગૃત નાગરિક હિરેન પટેલે જણાવ્યું હતું કે પીઠા ગામે આવેલા તળાવ ફળિયામાં અરવિંદ નાનુભાઈના ઘરની પાછળ ખેતીવાડીની થ્રી ફેઝ વીજ લાઇનનો પોલ નમી ગયો છે. આ બાબતે દક્ષિણ ગુજરાત વીજકંપની ખેરગામને રજૂઆત કરવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ખેતરમાં કામ કરતાં ખેતમજૂરોને જાનહાનિ થવાનો ભય છે. આ બાબતે ખેરગામ વીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નમી પડેલો વીજપોલ અંગે મને ખબર નથી. હજુ હમણાં જ મારી નિમણૂક થઈ છે આ અંગે તેમની રજૂઆત જોઈ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે.
5થી 6વાર લેખિત રજૂઆત કરવા છતાં વીજપોલ સીધો કર્યો નથી
ગામના તળાવ ફળિયામાં ખેતરમાં થ્રીફેસ લાઇનનો વીજપોલ લાંબા સમયથી નમી પડેલો છે. જેને સીધો કરવા માટે વીજ વિભાગને પાંચથી છ વાર લેખિત રજૂઆત કરવા છતાં વીજ કંપની દ્વારા વીજપોલ સીધો કર્યો નથી. જેના પગલે ત્યાં ખેતીકામ કરતા લોકો અને ત્યાંથી પસાર થતા લોકોને વીજપોલને કારણે ઘણી તકેદારી રાખવી પડે છે. -હિરેન પટેલ, જાગૃત નાગરિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.