ખેડૂતોને મુશ્કેલી:ખેરગામના પીઠા ગામે વાવાઝોડાના સપ્તાહ પછી પણ થ્રીફેઝ લાઇન શરૂ નહીં કરાતાં પાકને જોખમ

ખેરગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાના લીધે અઠવાડિયાથી બંધ થ્રીફેઝ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા ખેડૂતોની માગ
  • ખેતરમાં તૈયાર શાકભાજી સહિતના પાકને સમયસર પાણી નહીં મળે તો સૂકાઇ જવાની ભીતિ

તાઉતે વાવઝોડા બાદ ઘણી જગ્યાએ વીજ લાઇન પર ઝાડો તથા વીજ લાઇનને થયેલી અસરના કારણે પીઠા ગામે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. ખેરગામ વીજ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા વલસાડના પીઠા ગામમાં થ્રીફેસ કનેક્શન ચાલુ નહીં થતા ગામના ખેડૂતોએ ખેરગામના વીજ વિભાગના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરી લાઇન ઝડપી પુનઃ શરૂ કરવા માંગ કરી હતી.તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં પારાવાર નુકસાન થયું છે. હાલ સરકાર દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વીજ કંપનીને પણ ભારે નુકસાન થતા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.

પીઠા ગામમાં થ્રીફેસ કનેક્શન ખેતીવાડી વીજ લાઇન અઠવાડિયાથી બંધ હોવાથી મોટરો બંધ પડી ગઈ છે, જેના કારણે અહીંના આદિવાસી વિસ્તારના શાકભાજી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાય રહી છે. આ સ્થિતમાં ખેતરમાં તૈયાર થઈ રહેલા શાકભાજી સહિતના વિવિધ પાકને પાણીની જરૂર હોવાથી કૂવા કે બોરમાંથી મોટર દ્વારા પાણી મુકવા માટે વીજળીની જરૂર છે પરંતુ પીઠા ગામે વાવાઝોડાના કારણે બંધ થયેલી થ્રીફેસ ખેતીવાડીની વીજ લાઇન ઝડપી શરૂ નહીં થાય તો ખેડૂતોની સ્થિત વધુ કફોડી થઈ જશે.

આ બાબતે ગામના મનુભાઈ પટેલ, ભરતભાઇ પટેલ, કાંતિલાલ પટેલ, અંબેલાલ પટેલ સહિતના ખેડૂતોએ ખેરગામ ડિવિઝનના નાયબ ઈજનેર એ.કે.પટેલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક થ્રીફેસ કનેક્શન ખેતીવાડીની વીજ લાઇન ચાલુ કરવા અરજ કરી છે.

લાઇનનું સમારકામ ચાલુ છે, ટૂંકાગાળામાં થ્રીફેસ કનેક્શન ચાલુ કરી દેવામાં આવશે
વાવઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ લાઇન તૂટી પડી હતી. કયાંક વીજ લાઇન ઉપર ઝાડો પડ્યા હતા. જેથી વીજ લાઈનને ભારે અસર થઈ હતી, પરંતુ હાલ જ્યોતિગ્રામ વીજ લાઇન ચાલુ કરી દીધી છે અને થ્રીફેસ કનેક્શન ખેતીવાડી લાઈનનું સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પીઠા ગામના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા. એમના વિસ્તારોમાં પણ આવતીકાલ સુધીમાં થ્રીફેસ કનેક્શન ચાલુ થઈ જશે. - એ.કે.પટેલ, ના.ઈજનેર, ખેરગામ વીજ કચેરી

અન્ય સમાચારો પણ છે...