બકાલીઓની અન્યત્ર હિજરત:ખેરગામમાં વિવાદી રસ્તો ખૂલ્યો

ખેરગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજી હોટલની બાજુમાંથી પસાર થતા રસ્તે બેસતા હતા

ખેરગામ બજારમાં શ્રીજી હોટલની બાજુમાંથી પસાર થતા રસ્તા પર બકાલીઅો પથારા નાંખી બેસતા અહીંના રહીશોને વાહનો લઈને અવરજવર કરવામાં થતી મુશ્કેલી બાબતે સ્થાનિક રહીશોએ મામલતદારને રજૂઆત કરતા મામલતદાર સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કરી શાકભાજી વેચતી બહેનોને અન્ય સ્થળે ખસી જવા સૂચન કરતા શુક્રવારથી રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો.

ખેરગામ બજારમાં વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન ઉદભવે છે, ખાસ કરીને વાહનોના આડેધડ પાર્કિંગ અને દુકાનોમાં માલસામાન ઉતારવા આવતા વાહનો રસ્તા પર ઉભા રહેતા પાછળ વાહનોની લાઇન લાગી જતી હોય છે. બજારમાં શ્રીજી હોટલની બાજુની ગલીવાળો રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી શાકભાજી વેચવા આવતી બહેનો શકભાજીના પથારા લઈને બેસતા હોય છે.

અહીં અંદર રહેતા રહીશોને રસ્તે અવરજવર કરવામાં તકલીફ ઊભી થતા સ્થાનિક રહીશ મીરજ દેસાઈ સહિતના રહીશોએ મામલતદારને રજૂઆત કરી શકભાજીવાળાને અન્ય સ્થળે ખસેડી રસ્તો ખુલ્લો કરાવી આપવા માંગ કરી હતી. જે અંતર્ગત મંગળવારે મામલતદાર,પીએસઆઇ તેમજ ગામના ઈનચાર્જ સરપંચે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ શાકભાજી વેચતી બહેનોને અન્ય સ્થળે દુકાન લગાવવા જણાવ્યું હતું.

શાકભાજી વેચતી બહેનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી
બજારમાં શાકભાજી લઈને બેસતી મહિલાઓને રસ્તો ખુલ્લો કરી આપવા મામલતદારે જણાવતા શુક્રવારથી બહેનોએ તેનો અમલ કરી રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. શાકભાજી વેચવા મહિલાઓને સામેની બાજુ ખુલ્લી જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા થતા ત્યાં બહેનોએ પોતાનો વેપાર શરૂ કર્યો છે. સમગ્ર પ્રકરણમાં મામલતદાર બંને પક્ષે સુખદ સમાધાન લાવ્યા હતા. > પંકજ મોદી, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...