તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેરગામમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર યોજના તાત્કાલિક પૂરી કરો

ખેરગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા-જિલ્લા કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી વખતો-વખત રજૂઆત કરાતી રહી છે
  • 20 હજારથી વધુ લોકોની વસતિ ધરાવતા ખેરગામમાં વર્ષો અગાઉ પણ ડ્રેનેજ બાબતે સરવે કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિ જૈસે થે

તાલુકાનું મથક ગણાતા ખેરગામમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઘણાં વર્ષથી ઉદભવે છે. સ્થાનિક આગેવાનોએ તાલુકા-જિલ્લા કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી ગામમાં ભૂગર્ભ ગટર યોજના સાકાર થાય તે માટે વખતો-વખત રજુઆત કરી હતી.પરંતુ આજદિન સુધી ગામમાં ભૂગર્ભ ગટર યોજના સાકાર નહીં થતા લોકોએ ઘણી હાલાકી વેઠવી પડે છે. આશરે 20 હજારથી વધુ લોકોની વસતિ ધરાવતા ખેરગામમાં તાજેતરમાં વર્ષો અગાઉ ડ્રેનેજ બાબતે સરવે પણ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ ફરીથી ગટર યોજનાનો સરવે કરવામાં આવ્યો હતો. જેને લઈ ગામલોકોમાં ગટર યોજના સાકાર થવાની ફરીથી આશા બંધાઈ છે.

પરંતુ હાલમાં થયેલો સરવેના આધારે ભૂગર્ભ ગટર યોજનાનું અંદાજીત બજેટ તૈયાર કરી સરકારમાં એની દરખાસ્ત મૂકવામા આવનાર હોવાની તજવીજ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ વખતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેરગામ તાલુકાની પ્રજાએ ભાજપને બહુમતી અપાવી છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેરગામની આ વર્ષો જૂની સમસ્યા દૂર કરવા પરિશ્રમ કરશે એવી આશા ખેરગામ તાલુકાના લોકોમાં પ્રબળ બની રહી છે.

પટેલ ફળિયામાં બારેમાસ વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે
ખેરગામ વિસ્તારમાં પટેલ ફળિયામાં બનાવાયેલી વરસાદી ગટરમાં બારેમાસ ડ્રેનેજનું પાણી વહેતુ હોય છે. જે ખુલ્લી ગટર હોવાથી તેમાં ગંદકી અને મચ્છરોનો પણ ઉપદ્રવ રહેતો હોય જેનાથી લોકોએ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈનની ઘણી જરૂર છે.> કૌશર વોહરા, સ્થાનિક, ખેરગામ પટેલ ફળિયા

વિકાસના કામો થાય તો ગટરનું કામ ક્યારે?
ખેરગામ વિસ્તારમાં વિકાસના કામોના અનેક જગ્યાએ ખાતમુહૂર્ત થાય છે,પરંતુ જેની સૌથી વધુ જરૂર છે એ ગટર યોજના સાકાર થવી ખૂબ જરૂરી છે. ગામમાં 40 વર્ષથી ગટરનો પ્રશ્ન ઉદભવે છે. અનેક વખત લોકો વચ્ચે વિવાદો પણ થયા છે, પરંતુ આ મામલે સુખદ અંત આવ્યો નથી. હાલમાં જનતા મિલ પાસે, ત્રણ રસ્તે અને ઝંડાચોક પાસે લાઇન જામ થતા જેમતેમ રિપેર કરાવી હતી. ગટર યોજનાથી ઘણી રાહત થશે. > પંકજ મોદી,વેપારી, ખેરગામ બજાર

ગટર ઉભરાય ત્યારે ઘણી મુશ્કેલી સર્જાય
બજાર વિસ્તારમાં ખાનગી ડ્રેનેજ લાઇન વર્ષોથી કાર્યરત છે, જેમાં સમયની સાથે વસ્તી વધતા કનેક્શનોમાં પણ વધારો થયો છે. આ ડ્રેનેજ લાઇન વખતોવખત જામ થવાથી ચેમ્બરોમાંથી પાણી ઉભરાતું હોય છે. જેની મરામત માટે વારંવાર વિનંતી કરીને બહારગામથી મજૂરો બોલાવવા પડે છે. આ ગટરમાં નવા પાઇપ નાંખી મરામત માટે ધારાસભ્ય ફંડ અને તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે. > ધર્મેશભાઈ ભરુચા, સ્થાનિક રહીશ.

હાલ ગટર માટે સરવે કરાયો છે, હવે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે
ખેરગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માટે તાજેતરમાં જ સરવે કરાવવામાં આવ્યો હતો, જેના માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. સરવેમાં ગટરને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે, જેના કારણે ડ્રેનેજના પાણીના નિકાલનો પ્રશ્ન પણ હલ થઈ જશે. પ્રથમ રામજી મંદિર-બજારથી પટેલ ફળિયા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા વર્ષોથી ઉદભવે છે તેને અગ્રીમતા આપાશે. > ભીખુભાઇ આહીર, પ્રમુખ, નવસારી જિ.પં.

ડિઝાઈન મુજબ ગટરનું આયોજન
હાલમાં બજારમાં ડ્રેનેજની સમસ્યા હલ કરવા માટે ધારાસભ્ય નરેશભાઈ પટેલે 10 લાખ અને ખેરગામ તા.પં. દ્વારા 15 % માંથી 5 લાખની ફાળવણી કરાઇ છે. તાજેતરમાં ગામમાં સરવે થયો એ ડિઝાઈન મુજબ ગટરનું આયોજન કરાયું છે. જેનાથી ભવિષ્યમાં ભૂગર્ભ ગટર યોજના મંજૂર થાય તો કોઈ સમસ્યા નહીં નડે. > રક્ષાબેન પટેલ, પ્રમુખ, ખેરગામ તા.પં.

અન્ય સમાચારો પણ છે...