કલેક્ટરને રાવ:ખેરગામ ધોબીકૂવાથી વલસાડ સુધીના બિસ્માર રોડનો ઉપયોગ કરનારા 20 હજાર જેટલા લોકો રોજિંદા પરેશાન

ખેરગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક આગેવાનોની રજૂઆત છતા દર વર્ષે ચોમાસામાં રોડ પર મસમોટા ખાડા પડે છે: કલેક્ટરને રાવ

વલસાડ જિલ્લાના ઉદાસીન તંત્રના કારણે ખેરગામથી વલસાડ જતો રોડ વર્ષોથી બિસમાર હાલતમાં હોવાના કારણે અનેક લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. આનાથી રોજબરોજ આવજાવ કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોને સતત પડી રહેલી તકલીફો માટે ખેરગામના આગેવાનો દ્વારા વલસાડ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. છેલ્લા ઘણાં વર્ષથી ખેરગામ ધોબીકૂવાથી વલસાડ સુધીનો બિસમાર રસ્તો બનાવવા ખેરગામ વિભાગના આગેવાનોએ અનેકવાર રજૂઆત કરી છે. દર વર્ષે ચોમાસામાં રસ્તા પર મોટા ખાડા પડતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. આ બાબતે ખેરગામના યુવા આગેવાન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના યુવા પ્રમુખ ડો. નિરવ પટેલના જણાવ્યા મુજબ અમે નાના હતા ત્યારથી ખેરગામ વલસાડ રોડનો ઉપયોગ કરતા આવ્યા છીએ પરંતુ વર્ષોથી રોડની હાલત બિસમાર જ રહેલી છે. બિસમાર રોડને કારણે રોજિંદા રોડનો ઉપયોગ કરતા 15થી 20 હજાર લોકોએ પારાવાર શારીરિક, માનસિક અને આર્થિક યાતનાઓ સહન કરવી પડે છે. ખરાબ રોડને કારણે ઘણા લોકોએ પોતાના અને પરિવારના કિંમતી જાનમાલનું નુકસાન સહન કરવું પડ્યું છે. જો તંત્ર દ્વારા આ બાબતે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં લાવે તો આંદોલન કરતા પણ અચકાઈશું નહીં. આ પ્રસંગે ખેરગામના મુસ્તાનસીર વ્હોરા, મહેશ ભાનુશાલી, કીર્તિ પટેલ, કાર્તિક પટેલ, દલપત પટેલ, કૃણાલ પટેલ સહિતના આગેવાનો સાથે અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા 7 વર્ષથી રસ્તો બન્યો નથી છેલ્લા સાત વર્ષથી રસ્તો બન્યો નથી, ત્રણ-ચાર વર્ષથી અમે રસ્તો બનાવવા રજૂઆત કરતા આવ્યાં છે. અધિકારીઓ બસ એક જ વાત કરે કે પેચવર્ક કરી આપીએ. ચોમાસામાં રસ્તો ખરાબ થાય ત્યારે મોટા ખાડા પુરાય છે. નાના ખાડા પુરવામાં આવતા નથી. હાલમાં પણ વરસાદમાં રસ્તો ખરાબ થતા ખાડામાં કાપચી નાંખીને તંત્રએ સંતોષ માની લીધો. અમારે અહીં આવવું પડે એ દુઃખદ ઘટના છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે કે લોકોની સમસ્યા હલ કરે. >મહેશ ભાનુશાલી, પંચાયત સભ્ય, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...