ખેરગામ ચાર રસ્તા પર આવેલી એક કટલરીની દુકાનમાં રાત્રિએ અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકેલી આગ બુઝવવા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા પરંતુ વિકરાળ બનેલી આગમાં ધીરે ધીરે દુકાનમાં રહેલો કટલરીનો સંપૂર્ણ સમાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ગાડી આવી પાણીનો મારો ચલાવતા ઘણી જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
ખેરગામ કુંભરવાડ વિસ્તારમાં આવેલા હરિ ચેમ્બર્સમાં કટલરીની દુકાન ચલાવતા હર્ષદભાઈ ઉત્તમભાઈ પટેલ (રહે. નારણપોર, તા.ખેરગામ)ની ક્રિષ્ના નોવેલટી નામની દુકાન તેઓ છેલ્લા 6 વર્ષથી ચલાવે છે. શુક્રવારે સાંજે 8 વાગ્યે તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરી પોતાની ઘરે જતા રહ્યા હતા. સાડા નવેક વાગ્યાની આજુબાજુમાં દુકાનમાં આગ લાગ્યાના મેસેજ મળતા તેઓ તરત જ દુકાને પહોંચ્યા હતા. જ્યાં ભયંકર રીતે આગ લાગી હતી. આજુબાજુથી લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને આગ બૂઝાવવા ભારે દોડધામ કરી હતી.
દરમિયાન વલસાડ, ધરમપુર તેમજ બીલીમોરા અગ્નિશામકના બંબાખાના ઉપર જાણ કરતા થોડા સમયમાં જ ફાયર વિભાગના જવાનો પહોંચી પાણીનો મારો ચલાવતા વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ દુકાનમાં ફર્નિચર સહિતનો તમામ સમાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાની ઘટનાના પગલે ગામમાં વીજપુરવઠો બંધ કરી દેવાયો હતો.
દુકાનની સંપૂર્ણ સામગ્રી ખાઇ થઇ ગઇ
દુકાન મલિક હર્ષદભાઈ પટેલે પંચકયાસમાં જણાવ્યા મુજબ દુકાનમાં લાગેલી આગમાં તમામ સામાન બળી ગયો હતો. જેમાં લેડીઝ શણગારનો સામાન, ફર્નિચર, ટેલરિંગનો સમાન, ઘોડા કબાટ સહિત દુકાનનો તમામ સરસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો, જેની કિંમત લાખોમાં અંદાજવામાં આવે છે.
પંચકયાસ કરી તાલુકા પંચાયતમાં રિપોર્ટ કરાયો
આ ઘટના બની તે સમયે ત્યાં પહોંચી ગયા હતા. જેમાં દુકાનમાં રાખેલો સંપૂર્ણ સમાન તેમજ ફર્નિચર બળીને ખાક થઈ ગયો હતો. આ મામલે પંચકયાસ પણ કરવામાં આવ્યો હતો, ભોગ બનનાર દુકાનદારને વળતર મળે તે માટે પંચકયાસ કરી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો છે. - ઝરણાબેન પટેલ, સરપંચ, ખેરગામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.