વાતાવરણમાં પલટો:ખારેલ પંથકમાં પવનના સુસવાટા સાથે વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત

ખારેલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીપલધરા નજીક વીજપોલ તૂટ્યો, મોપેડ ચાલક મહિલા બચી

ખારેલ પંથકમાં 12મીએ સાંજે 4.30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોતજોતામાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા ભયનું વાતાવરણ સર્જાયું હતું. ખારેલ પંથકના એંધલ, પીપલધરા, ખાપરિયા અને ગણદેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા કેટલાય વિસ્તારોમાં ઝાડો તૂટી પડવાના બનાવો બન્યા હતા. જેમાં સાંજે 5 કલાકે એક મહિલા ખારેલથી કછોલી જવા નીકળી હતી ત્યારે પીપલધરા નજીક તેની 15 ફૂટ આગળ જ વીજપોલ તૂટી પડતા મોપેડ ઉપરથી કાબુ ગુમાવતા રોડ ઉપર પટકાઈ હતી, જેને ઈજા પહોંચી હતી.

આ વરસાદને પગલે વીજ કંપનીના કેટલાક થાંભલાઓ અને વાયરને નુકસાન પહોંચતા વીજળી ડુલ થઇ ગઈ હતી. આવા સંજોગોમાં વીજ કંપનીના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે ધસી આવી યુદ્ધના ધોરણે રિપેરીંગની કામગીરી આરંભી હતી. ભારે જહેમત બાદ રાત્રે 8.30 કલાકે પીપલધરા, ખાપરીયા, મટવાડ અને ગણદેવાનો વીજ પુરવઠો ચાલુ કર્યો હતો.

જયારે એંધલ લાઈન ઉપર નુકસાન વધુ હોય રાત્રે 10.30 કલાકે વીજપુરવઠો ચાલુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદ અને પવનને લઈને એંધલ-ધનોરીનો માર્ગ બંધ થઇ ગયો હતો, જે સવારે 9 કલાકે એંધલ ગ્રામ પંચાયતે ખુલ્લો કર્યો હતો. આમ જંગલ ખાતું ઉઘતું ઝડપાયું હતું. વરસાદને લઈને ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ડાંગરનો પાક તૈયાર છે પણ વરસાદને લઈને કાપી શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...