તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયની રમત:ગણદેવીના જ્યુબિલી ગાર્ડનમાં સાધનો ઝાડીમાં ખોવાયા

ગણદેવી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાર્ડનને 6 ફુટ ઉંચી દિવાલ ઉભી કરી લાખોના ખર્ચે વિકસાવવાની માત્ર વાતો

ગણદેવી નગરમાં વેંગણીયા નદીને કિનારે આવેલો જ્યુબિલી ગાર્ડન લાખો રૂપિયાના ખર્ચ કર્યા બાદ જર્જરિત હાલતમાં બિનઉપયોગી છે. હાલમાં જ્યારે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે આ ગાર્ડનમાં ફૂલછોડ અને ડેકોરેટિવ ઝાડવાનું રોપાણ કરી એને સજ્જ કરવામાં આવે એવી લાગણી અને માગણી ગણદેવી પાલિકા સમક્ષ ગણદેવી નગરજનો કરી રહ્યાં છે. ગાર્ડનમાં મૂકાયેલા કસરતના વિવિધ સાધનો પણ કાર્યરત અવસ્થામાં નથી. આ કસરતના સાધનોની ચોમાસામાં યોગ્ય વ્યવસ્થા કરાય એવી માગણી નગરના સિનિયર સિટીઝનો દ્વારા નગરપાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ અને ચીફ ઓફિસર સામે કરી છે.

ગણદેવી નગરની વેંગણીયા નદીના કિનારે રિવરફ્રન્ટ તૈયાર કરી આ કિનારાને નયનરમ્ય બનાવવાની વહીવટી પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આજ નદીના કિનારે આવેલો અને લાખોનો ખર્ચ થયો છે તેવો જ્યુબિલી ગાર્ડન હાલમાં અતિ જર્જરિત હાલતમાં પરિવર્તિત થઇ રહ્યો છે. હાલમાં જ્યારે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે એમાં ઊગી નીકળેલા ઝાડીઝાંખરાને કપાવી, ફૂલછોડ રોપી ગાર્ડન વિકસાવવામાં આવે સાથે લાખોનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તેના મૂળભૂત આશય સાથે વિકસાવવામાં આવે તેવી લાગણી માગણીકારોએ વ્યક્ત કરી છે.

નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રાણલાલભાઈ આ અગાઉ પણ હતા ત્યારે આ ગાર્ડનને લગ્ન, પાર્ટી પ્લોટ અને નાની સભાના આયોજનમાં પરિવર્તિત કરવાની લાગણીને વ્યક્ત કરી હતી. એ મુજબના આયોજનો સાથે લાખોનો ખર્ચ કરી એને વિકસાવવામાં આવ્યો હતો પરંતુ એ અધૂરી રહી ગયેલી પ્રક્રિયા પાંચ વર્ષ સુધી પડી રહી હતી. ગાર્ડનને 6 ફુટ ઉંચી દિવાલો ઉભી કરી સંપૂર્ણપણે માટી પુરી લાખોના ખર્ચે વિકસાવવાનો પ્રયત્ન અને આયોજનો હાથ ધરાયા હતા પરંતુ એ અધૂરા રહ્યાં છે.

પ્રમુખ અને સીઓએ આશ્વાસન આપ્યું
આ બાબતે પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં નગરના પાણી અને ગટરના પ્રશ્ન પરત્વે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આગામી એક-દોઢ મહિનામાં નગરના પ્રશ્નોનું સત્વરે નિવારણ લાવી નગરના અન્ય પ્રશ્નો તરફ પણ સંપૂર્ણ કાર્યવાહી હાથ ધરાશે. ગણદેવી નગરના આ ગાર્ડનને આગામી ચોમાસા દરમિયાન વિકસાવવામાં આવશે તેવું આશ્વાસન એમણે આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...