ગણદેવી નગરના કાછીયાવાડી વિસ્તારની અંદર છેલ્લી ચાર પેઢીઓથી દૂધનો ધંધો કરી પશુપાલન કરતા લલ્લુભાઈ પટેલ પરિવારના સભ્યોએ તેમના ગાય-ભેંસના તબેલામાં છેલ્લા 6 વર્ષથી નિયમિતપણે જુના ફિલ્મી ગીતો અને સંગીત વગાડતા અસરકારક પરિણામો સાંપડ્યાં હોવાનું જણાવ્યું હતું. ગાય અને ભેંસના દૂધમાં ખૂબ જ ઉલ્લેખનીય વધારો તો થયો જ છે સાથે સાથે તેમના આરોગ્યમાં સુધારો થયો છે અને સારવારનો ખર્ચ નહિવત જેવો રહ્યો છે. જેથી સંગીત એ એક સારવાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભરતકુમાર અને બિપીનભાઈ લલ્લુભાઈ પટેલના જણાવ્યા મુજબ તેઓ તેમના તબેલામાં છેલ્લા 7 વર્ષથી પંખાઓ રાખે છે, તબેલાને સતત સ્વચ્છ રાખે છે અને તેમના પશુધનને સવારે ભજન સંગીત અને દર મંગળ અને શનિવારે હનુમાન ચાલીસાનું પઠન સાંજે સંભળાવે છે.
એટલું જ નહીં સવાર બપોર અને સાંજ નિયમિતપણે સંગીત સાંભળવા તેમના તબેલાની ગાય-ભેંસો ટેવાઈ ગઇ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પ્રિયંકાબેન હિમાંશુભાઈ પટેલના જણાવ્યા મુજબ જો સંગીત નહીં વગાડીએ તો ગાય અને ભેંસ સંગીતના સ્પીકર સામે જોઈને સતત ચોક્કસ અવાજ કાઢે છે અને સંગીત વગાડવા માટે મજબૂર કરે છે, પ્રેરણા આપે છે.
આ પરિવારના જ પ્રિયંકાબેન ગણદેવીમા શિક્ષિકા છે. આ પરિવારના જ નિવૃત્ત શિક્ષિકા દિવાળીબેન પટેલના જણાવ્યા મુજબ તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ દરમિયાન ગૌશાળાઓની અંદર આ સંગીત સારવાર જોઈ હતી. દરેક ગાયને નામ આપવામાં આવ્યું હતું અને સંગીત સાથે ગાયને નામ સાથે બોલાવતા ગાય આવીને દૂધ આપી જતી હોવાનું પણ તેમણે જોયું હતું.
એવો જ તબેલો તેમણે ગણદેવીમાં કાછીયાવાડીમાં બનાવ્યો છે અને સંગીત પ્રિય ગાય-ભેંસને વહાલ કરે છે જીવ માત્રને વાહન કરવાથી પ્રસન્નતા અનુભવાતો હોવાનું પણ પ્રિયંકાબેન અને દિવાળીબેને જણાવ્યું હતું. સંગીત સારવાર-ઉપચાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેના હકારાત્મક પરિણામો લાંબાગાળે પશુપાલકોને મળતા હોય. તેમણે સંગીત થેરેપી હોવાનું જણાવ્યું હતું. ભરતભાઈ, પ્રિયંકાબેનનો સમગ્ર પરિવાર તેમના ગાય ભેંસોને ખૂબ જ વહાલ કરતો હોવાથી દૂધનું ઉત્પાદન બમણુ થયું છે અને પશુઓની માંદગીનો ખર્ચ ઘટ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.