મન્ડે પોઝિટિવ:ગણદેવી નગરના વડા તળાવ ઉપર એક કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા સોલાર પેનલો બેસાડશે, વીજ બચતથી ફાયદો થશે

ગણદેવી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં આગામી દિવસોમાં અનેક પ્રોજેક્ટો બનશે જેમાં કેટલાકમાં સોલાર પેનલો બેસાડવાનું આયોજન કરાયું છે

ગણદેવી નગરપાલિકા વર્ષ 2022-23 દરમિયાન તેના આગવા વિકાસલક્ષી આયોજનો સાથે આવી રહી છે. પાલિકાના આગામી વર્ષનો રજૂ કરાયેલ અંદાજપત્રમાં સોલાર એનર્જીનો ઉપયોગ તેનો વિકાસલક્ષી આગામી વિવિધ આયોજનોમાં દર્શાવવામાં આવ્યો છે અને એ આયોજનો જોતા આગામી વર્ષમાં ગણદેવી નગર એનર્જી નગર બને તો નવાઈ નહીં.

ગણદેવી નગર ઊડીને આંખે વળગે એવા સ્વપ્નિલ પ્રોજેક્ટોમાં સોલાર એનર્જીનો પણ ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. આ માટે હાલમાં જ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ગણદેવીના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અનેમંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારનો પ્રશ્નો માટે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલે જણાવ્યું છે.

પાલિકાના વર્ષ 2022ના અંદાજપત્રમાં રૂ.1 કરોડના ખર્ચે વડા તળાવ ઉપર સોલાર પેનલો બેસાડી વીજળી ઉત્પન્ન કરવાનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની સાથે સાથે સવા કરોડના ખર્ચે નગરપાલિકા કોમ્યુનિટી હોલ પણ બનાવવા જઇ રહી છે. આ સંપૂર્ણ એસી હોલ છે અને એની સીટિંગ કેપેસિટી 370 સીટની છે.

આ હોલને ઈલેક્ટ્રિસિટી પૂરી પાડવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે. એવી જ રીતે ગણદેવી નગરપાલિકાના વોટર પ્લાન્ટ કાજી ઓવારા વિસ્તારમાં પણ સોલર પેનલ બેસાડવામાં આવશે અને ત્યાં પણ વીજળી ઉત્પન્ન કરાશે. એટલું જ નહીં ગણદેવી નગરપાલિકાના ટેરેસ ઉપર પણ સોલાર પેનલ બેસાડવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલ કારોબારી સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ વશી, ઉપપ્રમુખ સરસ્વતીબેન પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠભાઈએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે.

નગરપાલિકાના અન્ય મહત્વકાંક્ષી વિકાસલક્ષી કાર્યોની અંદર પણ સોલર પેનલનો બેસાડી રૂપિયા 50 લાખની વીજળી ઉત્પન્ન કરવાનું આયોજનો હાથ ધરાઇ રહ્યા છે. હાલમાં ગણદેવી નગરપાલિકાનું સ્ટ્રીટલાઈટ સહિત તમામ વીજ બિલ 48 લાખ રૂપિયા જેવું આવે છે. આ તમામ વિજ ખર્ચ હાલમાં સ્વભંડોળમાંથી ચૂકવાય છે. જેથી નગરપાલિકાની આ તમામ વીજ બિલની રકમ આગામી સોલાર એનર્જી દ્વારા વીજ ઉત્પન્ન કરી ગણદેવી નગરપાલિકાને સંપૂર્ણપણે વીજબિલ મુક્ત કરવાના પ્રયાસો હાલના નગરપાલિકા સંચાલકો કરી રહ્યા છે.

નગરની વેગણીયા નદીના કિનારે દોઢ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ વિકસાવવાની યોજના પણ આગામી વર્ષમાં આવી રહી છે. આ યોજના સાથે પણ સોલર એનર્જીનો ઉપયોગ કરી વીજ ઉત્પન્ન કરનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નગરની વર્ષો જૂની કેટલીક માંગણીઓ પણ આગામી દિવસોમાં સંતોષવા માટેની તૈયારીઓ પાલિકા સંચાલકો કરી રહ્યા છે.

ખાસ કરીને બસ ડેપો અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ઈન્ડોર વિવિધ રમતો રમાશે રૂપિયા 2 કરોડના ખર્ચે ગણદેવી નગરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવા માટેની સૂચિત દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્તની અંદર પણ સોલાર એનર્જીનો ઉપયોગ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...