ચોમાસામાં મુશ્કેલી:4 વર્ષ પૂર્વે બસ સ્ટેન્ડ તોડ્યું, ફરી બન્યું જ નહીં !

ગણદેવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીમાં માર્ગ પહોળો કરવા બસ સ્ટેન્ડ તોડાયા બાદ તંત્ર ફરક્યું જ નથી

ગણદેવી પીપલ્સ બેંક સર્કલ ધનોરી નાકા પર ગણદેવી નગરમાં પ્રવેશવાના માર્ગ ખૂબ જ સાંકડો છે, જેના કારણે નગરમાં પ્રવેશતા કે નગરની બહાર જતાં વાહનોને ભારે તકલીફ પડે છે. ગણદેવી-ખારેલ માર્ગનું વિસ્તરણ થયું ત્યારે પણ સર્કલને વિકસાવવાની માગણી કરી હતી અને આ પીપલ્સ બેંક સર્કલની આજુબાજુ આવેલી ઝાંખરી અને થાંભલાના દબાણો, લારી ગલ્લાઓ હટાવી આ સર્કલની ચારે દિશા ખુલ્લી કરવાની માંગણી પણ બુલંદ કરાઇ હતી. થોડા દબાણ હટાવાયા પણ હતા પરંતુ ગણદેવીના પ્રવેશનો માર્ગ પહોળો કરવા સહિતની રહી ગયેલી માગણી એ ફરી પાછો અવાજ ઉઠાવ્યો છે. આ વિસ્તારમાં રહેતા વિવિધ નાગરિકોએ આ સર્કલને સજ્જ કરવાની માગણી કરી છે. આ સર્કલ પાસે આવેલા બસ સ્ટેન્ડને આ માર્ગના વિસ્તરણ વખતે ચારેક વર્ષ પહેલાં તોડી પડાયું હતું તે પુનઃ બાંધવામાં આવે અને અત્રે જે રિક્ષા સ્ટેન્ડ હતું એને પણ વિસ્તારવામાં આવે તો ચોમાસામાં અનેક મુસાફરોને રાહત થાય તેવી માગણી કરાઇ છે.

આ સર્કલને વિકસાવવું જોઈએ અને ત્યાં બસ સ્ટેન્ડ બનવું જોઈએ
સંસ્કારધામ સોસાયટીમાં રહેતા ગોપાલજીભાઈ અને અન્ય સિનિયર સિટીઝનોએ બાકી રહી ગયેલી માંગણીઓ દોહરાવી છે. શાંતિનિકેતન સોસાયટી, ગોકુલધામ સોસાયટી, સુગર એપાર્ટમેન્ટ સહિત સર્કલની આજુબાજુ રહેતા સોએક જેટલા સિનિયર સિટીઝનો અને મહિલાઓએ આ માગણીને અનુમોદન આપ્યું છે. આ સર્કલ પાસે જ જેમનો વ્યવસાય છે એવા વેપારીઓ પણ અને સમર્થન આપ્યું છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલે જણાવ્યું કે આ સર્કલને વિકસાવવું જોઈએ અને ત્યાં બસ સ્ટેન્ડ બનવું જોઈએ. બીજુ નવું બસ સ્ટેન્ડ બનાવવા તેમણે સાંસદ સી.આર.પાટીલ રજૂઆત કરી છે. તેઓ તેમના સાંસદ ફંડમાંથી આ માટે  ફાળો ન હોવાનું તેમણે જણાવ્યું છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રથમેશભાઈ વશી આ સર્કલને વિકસાવવા માટે ખૂબ જ તત્પર હતા પરંતુ પાલિકાના શાસકોએ એ બાબતે ધ્યાન આપ્યું ન હોવાનું તેમણે જણાવ્યું હતું. પાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ ગોઝલે અને કારોબારી સમિતિના ગોપા‌ળભાઈ ગોહિલ, સમિતિના અધ્યક્ષ મુનાફભાઇ માસ્તર, શહેર ભાજપ મહામંત્રી શૈલેષભાઈ શાહ સૌ અગ્રણીઓ આ બાબતે તત્પર હોવાનું છેલ્લા એક વર્ષથી જણાવે છે. ગણદેવી કોર્ટના નિવૃત્ત કર્મચારી ગોપાલજીભાઈ અને અન્ય સિનિયર સિટીઝન અરવિંદભાઈ શાહ, છગનભાઈ ચાંપાનેરી વગેરેના જણાવ્યા મુજબ આ સરકાર પાસે રિક્ષા સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ બનવું અતિ આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...