તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગણદેવી નગરમાં છેલ્લા 10 દિવસથી ટપાલ વિતરણની વ્યવસ્થા ખોરવાઇ

ગણદેવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ ઓફિસમાં હાલ એક માત્ર ટપાલી, અન્ય ત્રણ વિવિધ કારણોસર ગેરહાજર
  • ટપાલનું વિતરણ ન થતા વેપાર-ઉદ્યોગ, આમજનતાની ટપાલો ઓફિસમાં પડી રહી છે

ગણદેવીમાં છેલ્લા દસ દિવસથી માત્ર રજીસ્ટર ટપાલનું વિતરણ કરાઈ રહ્યું છે જ્યારે સાદી ટપાલનું વિતરણ નહીં થતા નગરના વેપાર-ઉદ્યોગ અને આમજનતાની ટપાલો પોસ્ટ ઓફિસની અંદર પડી રહી છે. જેને લઈને નગરમાં છેલ્લા 10 દિવસથી કથળેલી ટપાલ વિતરણ વ્યવસ્થા તાત્કાલિક સજ્જ કરવાની માગણી ઊભી થઈ છે. નગરના સિનિયર સિટીઝનોએ આ વ્યવસ્થા તાત્કાલિક ગોઠવાય તેવી લાગણી વ્યક્ત કરી છે. ગણદેવી નગરમાં છેલ્લા દસ દિવસથી માત્ર રજીસ્ટર ટપાલોનું વિતરણ થાય છે, સાદી ટપાલોના ઢગલા પોસ્ટ ઓફિસમાં વિતરણ કર્યા વગરના યથાવત પડી રહી છે. જેને પગલે નગરના વેપારીઓ, ઔદ્યોગિક એકમો અને નાગરિકોને ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાનું નગરના સિનિયર સિટીઝને જણાવ્યું છે.

વિતરણ વ્યવસ્થામાં માત્ર એક જ ટપાલી દ્વારા હાલમાં ટપાલનું વિતરણ કરાઇ રહ્યું છે અને એ પણ માત્ર રજીસ્ટર ટપાલ સમગ્ર નગરમાં વિતરિત કરે છે. બાકીના ત્રણ ટપાલી વિવિધ કારણોસર ડ્યુટી પર નહીં હોવાને લઈને નગરમાં ટપાલ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનું સબ પોસ્ટ માસ્તર ગંગાબેને જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ઝડપથી પોસ્ટ ઓફિસમાં પડેલી ટપાલોને વિતરિત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આગામી ત્રણ-ચાર દિવસમાં આ વ્યવસ્થા ગોઠવાઇ જશે એવી ખાતરી આપી હતી. હાલમાં માત્ર મહેશભાઈ છગનભાઈ પટેલ એકમાત્ર પોસ્ટમેન છે અને તેઓ નગરમાં માત્ર રજીસ્ટર ટપાલનું વિતરણ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે સુરેશભાઈ હળપતિ પણ આ વ્યવસ્થામાં મદદરૂપ થતાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ગણદેવી પોસ્ટ ઓફિસમાં ગણદેવી નગરમાં ટપાલનું વિતરણ કરવા માટે ચાર ટપાલીની જગ્યા સામે હાલમાં માત્ર એક જ ટપાલી હોવાનું મહેશભાઈએ પણ જણાવ્યું હતું. ગણદેવી નગરની ટપાલ વિતરણ વ્યવસ્થા સાથે પોસ્ટ ઓફિસનું કામ એના અન્ય વિભાગો પણ વ્યવસ્થિત કાર્યરત રહે એવી લાગણી નગરજનોના સોશિયલ ગ્રુપ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. બીલીમોરા પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને નવસારી જિલ્લાના અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપશે એવી આશા નગરના સિનિયર સિટીઝન ગ્રુપ, લાયન્સ ક્લબ સહિત વેપારી આલમે વ્યક્ત કરી છે. સિનિયર સિટીઝન ગ્રુપના અરવિંદભાઇ શાહ, જયંતિભાઈ મિસ્ત્રી, છગનભાઈ ચાંપાનેરી તેમજ ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈએ ગણદેવી નગરની પોસ્ટ ઓફિસની નાગરિક સેવા વ્યવસ્થા સુવ્યવસ્થિત થાય તેવી લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...