તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:નવસારી, બીલીમોરા અને ચીખલી APMCની પણ ચીકુ માટે અમલસાડથી સ્પેશિયલ ટ્રેન આપો

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 બોગીની અલાયદી વ્યવસ્થાવાળી ટ્રેનની જરૂર, ભિલાડ એક્સપ્રેસ ના સ્ટોપેજ માંગ

હાલમાં અમલસાડથી સાંજે એક ચીકુ સ્પેશિયલ ટ્રેન 22 બોગીની હોય છે તે નિયમિતપણે રોજ સિઝનમાં ફુલ લોડ લઈને નવી દિલ્હી જતી હતી. આ ટ્રેનમાં જેટલા ટન ચીકુ પરિવહન થતા હતા તેની સામે બીજા 25% ચીકુનું પરિવહન ટ્રક દ્વારા પણ કરાતું હતું. એટલું જ નહીં નવસારી, બીલીમોરા અને ચીખલીની એપીએમસી પણ એનાથી વધારે ચીકુનું પરિવહન ટ્રક દ્વારા જયપુર અને નવી દિલ્હીના બજારોમાં કરાતું હોવાથી ચીકુની આગામી ખુલતી સિઝનથી યાને કે ઓક્ટોબર-નવેમ્બર માસથી ચીકુની બીજી એક સ્પેશિયલ ટ્રેન અમલસાડથી જયપુર અને દિલ્હી આપવામાં આવે તેવી માંગણી શુક્રવારે અમલસાડમાં ટૂંકી મુલાકાતે પધારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ ડી.વી.એલ. સત્યકુમાર સમક્ષ કરવામાં આવી હતી. જોકે સત્યકુમારની અત્રેના ઇન્સ્પેક્શન દરમિયાનની ટૂંકી અને અંગત મુલાકાત અમલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એમના સ્પેશિયલ સલૂનમાં જ હોવાનું પણ અમલસાડ રેલવે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

અજરાઈ ગામના અગ્રગણ્ય ખેડૂત અને ખેડૂતોના હિતચિંતક એવા પરેશભાઈ નાયકે તેમનું સન્માન કરી જણાવ્યું હતું કે નવસારી જિલ્લાની એપીએમસીઓ આ વધારાના ચીકુ પરિવહન માટે બીજી એક ચીકુ સ્પેશિયલ ટ્રેન જે અમલસાડથી જયપુર-દિલ્હી જતી હોય તે જો આપવામાં આવે તો 22 બોગીનો પૂરતો લોડ આગામી સિઝનથી અત્રેથી પણ મળી શકે એમ છે. આ બાબતે પ્રત્યાઘાત આપતા સત્યકુમારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું અજરાઇના પરેશભાઈએ જણાવ્યું હતું.

આ રજૂઆત વખતે અમલસાડ સ્ટેશનના માસ્તર ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે આ ઉપરાંત વડોદરા-ભીલાડ એક્સપ્રેસ ટ્રેનને અમલસાડ સ્ટોપેજ આપવાની માંગણી કરતા આ બાબતે પણ ઘટતું કરવાનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. બીજી તરફ રેલવે પણ આ દિશામાં વધુ ટ્રેનો કઈ રીતે દોડાવી શકાય અને ફળોનું પરિવહન રેલવે દ્વારા વધુમાં વધુ કરી 50 ટકા સબસિડી-રાહતનો સીધો ફાયદો ખેડૂતોને ઊંચા ભાવ મળે એ દિશામાં આપી શકાય તે માટે તત્પર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...