તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ:ગણદેવીમાં વીજ કંપનીના અધિકારીઓ પાથરી ગામે બુલેટ ટ્રેનના વીજ લાઇન ટાવર નાંખવા ગયા તો ખેડૂતોએ કહ્યું - પહેલા વળતર આપો

ગણદેવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પ્રોટેક્શન સાથે વીજ કંપનીના કર્મીઓએ કામગીરી શરૂ કરતા અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

ગણદેવી તાલુકાના પાથરી ગામે મંગળવારે સવારે વીજ કંપનીના અધિકારીઓ બુલેટ ટ્રેનની વીજ લાઇન નાંખવા માટેના ટાવરો ઉભા કરવા માટે પહોંચી જતા સ્થાનિક ખેડૂતોએ એકત્ર થઇ ભારે વિરોધ કર્યો હતો. વીજ કંપનીના અધિકારીઓને વળતર બાબતે અનેક પ્રશ્નો પૂછ્યાં હતા અને ખેડૂતોને વીજ કંપની યોગ્ય વળતર આપે એની લેખિત બાંયધરી આપે તેવી રજૂઆત કરી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વીજ લાઈન બાબતે ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ કે જેઓ પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા હતા તેમની વચ્ચે ભારે ચકમક થઈ હતી. વીજ લાઈન નવી નાંખવા તથા ખસેડવા બાબતે જેટકો અને ખેડૂતો વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ ઉભી થઈ હતી.

આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
હાઈટેન્શન વીજ લાઈન બાબતે ખેડૂતોની માગણી બુલેટ ટ્રેન જમીન અને ઝાડ વળતર સમકક્ષ છે એટલે કે એક ચોરસ મીટર દીઠ રૂપિયા 3825 (બજારકિંમત 1 ચોરસ મીટર રૂ. 900 ગણીને) તથા 1 આંબાના 80 અને ચીકુના 78 હજારની છે. આ બાબતે કલેકટરને ખેડૂતો સહકાર આપતા નથી એવી ફરિયાદ કરી પોલીસને આજે હાજર રાખ્યાં હતા. સમન્વય સમિતિના પ્રમુખ વિનોદભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતભાઈ પટેલ અને મંત્રી દિનેશભાઈ પટેલ (પાથરી) તેમજ ધનોરી, વડસાંગળના ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. સમન્વય સમિતિના હોદ્દેદારો તથા ખેડૂતોએ પીએસઆઇને મધ્યસ્થી કરવા વિનંતી કરતા તેમણે સમગ્ર મામલો સંભાળી લીધો હતો. બંને પક્ષે ચર્ચા વિચારણા કરી લાંબી રજૂઆતો બાદ મામલો થાળે પડયો હતો.

ખેડૂતોએ કહ્યુ - જેટકો ખોટી રીતે પોલીસ લાવી દબાણ કરે છે
વીજ કંપનીએ જે તે અસરગ્રસ્તોને ઝાડની સંખ્યા તથા ઉમરના પંચકયાસ કરી ખેડૂતોને નકલ આપવા તથા ખેડૂતોને અવાસ્તવિક જંત્રી મુજબ ચૂકવણી થશે એવી લેખિત આપવાનું નક્કી થયું હોવાનુ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું. ખેડૂતોએ અધિકારીઓ સામે સ્પષ્ટ જણાવ્યું હતું કે લાઇન નાખવાનો અમારો વિરોધ નથી પરંતુ ખેતરમાંથી પસાર થતી લાઇન માટે ખેડૂતોને વળતરનો મુદ્દો મુખ્ય બન્યો હતો અને જેટકો ખોટી રીતે પોલીસ રક્ષણ લાવી ખેડૂતોને દબાવવાનું વલણ રાખે છે અને ખેડૂતોને કોર્ટમાં જવાનું જણાવતા હોવાનું વિનોદભાઈએ ચર્ચામાં જણાવ્યું હતું. ખેડૂત સમન્વય સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અમારે કોર્ટમાં જવાનું નથી પરંતુ આર્બિટ્રેશનમાં વ્યાજબી વળતર માટે જઇશું.

અન્ય સમાચારો પણ છે...