ગણદેવી પીપલ્સ બેંકના નવા પાંચ વર્ષો માટે ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેકટર્સોની પ્રથમ બેઠક 10મીને શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે બેંકના મુખ્ય શાખા ગણદેવીના નવા ભવનમાં મળનાર હોવાનું જનરલ મેનેજર હિમાંશુભાઇ વૈદ્યે જણાવ્યું હતું.
આ પ્રથમ બેઠકમાં અઢી વર્ષ માટે બેંકના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી કે ચૂંટણી કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. સભાના પ્રમુખની વરણી પ્રથમ કરાશે. આ એજન્ડા નવા ચૂંટાયેલા તમામ 17 ડિરેક્ટરને પઠવાઈ ચૂક્યો છે અને સમગ્ર જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.
ખાસ કરીને જ્યારે ભાજપ આ માટે સમર્થન આપી એની પેનલ ઉતારી છે એની પેનલના 13 જેટલા સભ્યો સાથે સત્તાનો દૌર સંભાળવા માટે આગળ આવ્યું હોય ત્યારે ત્રણેય વિભાગની અંદર હોદ્દેદારોના નામો જોરશોરથી ચાલી રહ્યા છે. બેંકના હાલના ચેરમેન ગોપાલભાઈ ગોહિલ જંગી મતથી ચૂંટાયા હોય ચેરમેનના પ્રબળ દાવેદાર કહેવાય છે.
જ્યારે વાઇસ ચેરમેન ચિંતનભાઈ શાહ અમલસાડ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે અને સેક્રેટરી શૈલેષભાઈ શાહ ફરી ચૂંટાઈને મેદાનમાં આવ્યા છે તો બીજી તરફ બીલીમોરાના પણ ચારે સિટિંગ ડિરેક્ટરો જસ્મીનભાઈ દેસાઈ, પ્રજ્ઞેશભાઈ પટેલ, મનીષભાઈ દેસાઈ અને અલ્કેશભાઈ શાહ ચૂંટાયા હોય વિવિધ હોદ્દાઓ માટે નામો ભરપૂર ચાલી રહ્યા છે.
ગણદેવીના સિનિયર ડિરેક્ટર સતત ચાર ટર્મથી ચૂંટાતા આવેલા પરેશભાઈ અધ્વર્યુ, તુષારભાઈ વશી, કેયુરભાઈ વશી પણ ચર્ચામાં છે . મહિલા બેઠક પરથી ચૂંટાયેલા ભાવનાબેન નાયક પણ હોદ્દાઓ માટે રેસમાં હોવાનું જાણવા મળ્યું છે. આ માટે ગણદેવી શહેર પ્રમુખ રાજુભાઈ પટેલ, બીલીમોરા શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ અને અન્યો એમની પ્રક્રિયામાં સક્રિય થયા છે.
બેંકની સત્તાનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવે છે એ માટે સભાસદો-વેપારીઓ અને ખાતેદારો મીટ માંડીને બેઠા છે. જિલ્લાની આ 72 વર્ષ જૂની નાગરિક સહકારી બેંક હોય તેની પ્રગતિ સતત જાળવી શકે તેવા સુકાનીની વરણીને આવકારી રહી છે. શુક્રવારે નવા ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરકટર્સોની મળી રહેલી પ્રથમ બેઠક પર મીટ મંડાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.