ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય બજેટ સભા પંચાયત મધ્યસ્થ ખંડમાં પ્રમુખ ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ઉપપ્રમુખ જીજ્ઞાબેન વૈદ્ય અને કારોબારી સમિતિના અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. સભામાં આગામી વર્ષ 2023-24નું રૂ. 35.08 લાખની પુરાંતવાળુ 124.98 કરોડનું અંદાજપત્ર પ્રમુખની પરવાનગીથી ઉપપ્રમુખે રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કર્યું હતું.
બજેટમાં શિક્ષણ તથા બાળ વિકાસ માટે વિજ્ઞાન મેળો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળ રમતોત્સવ, તરુણ મહોત્સવ, બાળ પ્રતિભા શોધ સ્પર્ધા, શાળા પ્રવેશોત્સવ, રૂફટોપ ગ્રીન, વોટર હાર્વેસ્ટિંગ, શૈક્ષણિક ચિત્રો તથા પેઇન્ટિંગ વગેરે માટે રૂ. 3,15,000, બાંધકામ માટે રૂ. 77,50,000, સમાજ કલ્યાણ માટે 8.25 લાખ, જેમાં તાલુકા કક્ષાએ વોલીબોલ-ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવી. દિવ્યાંગ સાધન સહાય, બિમારીના ભોગ બનેલ કુટુંબોને વૈદ્ય સહાયને ધ્યાનમાં લઈને સ્વભંડોળમાંથી આગામી વર્ષ માટે વોલીબોલ-ક્રિકેટ ટુર્નામેન્ટ માટે રૂ. 50-50 હજારની વિશેષ જોગવાઈ કરાઇ છે.
ઉપરાંત ખેતીવાડી ક્ષેત્ર ખેડૂત શિબિર-પ્રવાસ વગેરે માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષમાં રૂ. 92,46,10,000ની સૂચિત સરકારી અનુદાન સંસદસભ્ય -ધારાસભ્ય ફંડ, આયોજન મંડળના ફંડ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા ટીમના સંયુક્ત પ્રયત્નોથી સમતોલ વિકાસ થાય તે રીતે ખર્ચનું આયોજન કરાયું હોવાનું તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન યાદવે જણાવ્યું હતું. બજેટ સર્વાનુમતે સભ્યોએ મંજૂર કર્યું હતું. બજેટ ને વિકાસલક્ષી લેખાવી વિનોદભાઈ પટેલે કાંઠા વિભાગ માટે ફાળવાયેલ 25 લાખને બિરદાવ્યું હતું.
માર્ચ આખર સુધીમાં 20,000 ઈ શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો પણ નિર્ધાર ટીડીઓએ જાહેર કરતા સૌએ સહકારની ખાતરી આપી હતી. નાયબ હિસાબનીશ અધિકારી દિવ્યેશભાઈ દેસાઈ, દીપકભાઈ જોશી અને અન્ય અધિકારીઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.