ચૂંટણી:ગણદેવી પીપલ્સ બેંકની આજે સામાન્ય ચૂંટણીમાં મતદાન અને મતગણતરી

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમવાર રાજકીય પક્ષ ભાજપની સમર્પિત પેનલ ચૂંટણીમાં ભાગ લઇ રહી છે

નવસારી જિલ્લાની ગણદેવી પીપલ્સ કો.ઓપરેટીવ બેંકની 17 બેઠકની સામાન્ય ચૂંટણીઓ માટે આજે રવિવારે 5મી માર્ચના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જેતે મતદાન મથકોએ મતદાનનો પ્રારંભ થશે. સાંજના 4 વાગ્યે મતદાન પૂરું થશે. તમામ મતદાન મથકોએથી મતદાન પેટીઓ એકત્રિત કરાઈ ગયા બાદ સાંજના તુરંત જ ગણદેવી લાડ વણિકની વાડીમાં મતગણતરીનો પ્રારંભ થનાર હોવાનું ચૂંટણી સમિતિના ચેરમેન કાંતિભાઈ ગાંધી, સભ્યો મહેન્દ્રભાઈ ગાંધી અને રમેશભાઈ નાયક તેમજ ચૂંટણી અધિકારી જનરલ મેનેજર હિમાંશુભાઈ વૈદ્ય અને મહેન્દ્રભાઈ ટેલરે જણાવ્યું હતું.

17 બેઠકો પૈકી ગણદેવી વિભાગની 9 બેઠક, બીલીમોરા વિભાગની 4 બેઠકો અને અમલસાડ વિભાગની એક બેઠક ઉપરાંત સમગ્ર જિલ્લાની સામાન્ય મહિલા અનામતની બે બેઠક તેમજ આદિવાસી અનામત એક બેઠક નો સમાવેશ થાય છે.

ગણદેવી વિભાગમા પ્રથમ સફેદ રંગના મત પત્રકમાં નવ બેઠકો માટે તેમજ બીજા ગુલાબી રંગના મત પત્રકમાં સમગ્ર નવસારી જિલ્લાની મહિલા અનામતની બે અને ત્રીજા પીળા રંગના મત પત્રકમાં આદિવાસી અનામત એક બેઠક મળી કુલ 12 મત એક મતદારે ત્રણ મતપત્રકમાં આપવાના રહેશે. એ જ રીતે બીલીમોરા વિભાગની ચાર બેઠક ઉપરાંત બે મહિલા અનામત બેઠકો અને એક આદિવાસી બેઠક મળી 7 ઉમેદવારને ત્રણ મતપત્રકો સાથે મતદાન કરવાનું રહેશે. અમલસાડ વિભામાં એક બેઠક, બે મહિલા ઉપરાંત એક આદિવાસી મળી કુલ 3 મતપત્રકમાં ચાર મતો આપવાના રહેશે.

દરેક મતદારોએ ફરજિયાત રીતે જે તે સંખ્યામાં જ મત આપવા ફરજિયાત છે, જેમ કે ગણદેવી વિભાગની 9 બેઠક માટે ફરજિયાત રીતે 9 મત તેજ રંગના મત પત્રકમાં જ આપવાના રહેશે. એજ રીતે મહિલા અનામતની બે બેઠકના ચારમાંથી બે ઉમેદવારને ફરજિયાત બે મત આપવાના રહેશે એક મત આપવાથી મતપત્ર રદ ગણાશે. ગત ચૂંટણીમાં 900થી પણ વધારે મતપત્રકો રદ થયા હતા.

મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ તમામ મતપેટીઓ મતદાન મથક માં એકત્રિત કરાયા બાદ મત ગણતરીનો પ્રારંભ તુરંત માં જ કરાશે અને મોડી રાત સુધીમાં તમામ પરિણામો આવી જવાની ગણતરી ચૂંટણી સમિતિની છે. સૌ પ્રથમવાર રાજકીય પક્ષ ભાજપ સમર્પિત પેનલ ચૂંટણીમાં હોય ભારે ઉત્તેજના સાથે સમગ્ર જિલ્લામાં આ ચૂંટણી તરફ રાજકીય પક્ષોએ પણ મીટ માંડી છે. બેંકના સિનિયર ડિરેક્ટર અને પૂર્વ ચેરમેન એવા મનહરભાઈ શાહ આખરી ચિત્રમાંથી બહાર નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...