તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેંગણીયા નદી-પનિહારી ખાડીનો માર્ગ ઉંચો કરો

ગણદેવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીના મુખ્યમાર્ગ જ ચોમાસામાં દર વર્ષે ડૂબી જાય છે અને હજારો લોકો માટે આવાગમનનો માર્ગ બંધ થઇ જાય છે
  • નદી પર 6 કરોડના અંદાજિત ખર્ચે નવો પુલ બનાવી આ પ્રશ્નનો નિવેડો લાવવાની દરખાસ્ત કરાઈ છે પણ ખાડી માર્ગ અંગે વિચાર કરાયો નથી

હવે જ્યારે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગણદેવી નગરની જીવાદોરી સમાન વેંગણીયા નદી અને બાજુમાં જ આવેલ રેલવે બ્રિજ અને એની બાજુમાં જ આવેલી પનિહારી ખાડીના સમગ્ર માર્ગ પૂરના પાણીમાં ડૂબાણમાં ચાલી જાય છે. આ માર્ગ સજ્જ થવો જોઈએ તેવી લાગણી સમગ્ર પ્રવર્તી રહી છે. પૂરના સમયે મનમોહન ક્લબથી લઈને સમગ્ર રેલવે અંડરબ્રીજ અને પનિહારી ખાડી થઈ ઠાકોરભાઈ ઇંટવાડાના બંગલા સુધીનો સમગ્ર માર્ગ ડુબાણમાં ચાલી જાય છે. ગણદેવી-બીલીમોરાનો ટૂંકા માર્ગનો સમગ્ર વ્યવહાર બંધ થઈ જાય છે અને તેને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.

ખાસ કરીને સુંદરવાડી કસ્બાવાડી રેલવે સ્ટેશનનો વિસ્તાર તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, આજુબાજુમાં આવેલો વિસ્તાર અને કોઠી ફળિયાને ભારે હાલાકી ભોગવવી પડે છે. પૂરના પાણીમાં આ સમગ્ર વિસ્તાર ડૂબાણમાં ચાલી જાય છે.હાલમાં વેંગણીયા નદીના જૂના પુલની બાજુમાં બીજો નવો પુલ બનાવવાના જે આયોજનો હાથ ધરાયા છે તે અધૂરા હોવાની લોકલાગણી પ્રવર્તી રહી છે. આ આયોજનો થકી કોઈ પરિણામ હાથ લાગનાર નહીં હોવાનું સિનિયર સિટીઝનો જણાવી રહ્યાં છે.

નગરના સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યોના જણાવ્યા મુજબ ગણદેવી મનમોહન કલબથી લઈને ઠાકોરભાઈ ઇંટવાલાના બંગલા સુધીનો માર્ગ અને વચમાં આવતા બંને પુલ ઊંચા કરવાથી આ પ્રશ્નનો નિવેડો લાવી શકાશે. માત્ર ગણદેવી વેંગણીયા નદી પર પુલ બાંધવાથી પરિસ્થિતિ યથાવત જ રહેશે. પનિહારી નદી અને રેલવે ક્રોસિંગ પુલનો પણ સાથે નિવેડો લાવવો એટલો જ જરૂરી છે એટલે આ સમગ્ર ડૂબાણમાં જતો માર્ગ સજજ કરવામાં આવે અને આવતા બંને પુલ ઊંચા કરવામાં આવે તે સાથે રેલવેનો પ્રશ્ન પણ લઈને એનો પણ નિવેડો લાવવામાં આવે તો જ આ સમગ્ર પ્રશ્નનો સાચા અર્થમાં હકીકતથી જમીન નિવેડો લાવેલો લેખાશે એવું સિનિયર સિટીઝન ગ્રુપના જયંતિભાઈ મિસ્ત્રી, છગનભાઈ ચાંપાનેરી અને અરવિંદભાઈ સહિત અન્ય સભ્યોએ જણાવ્યું છે.

હાલમાં વેંગણીયા નદી પર 6 કરોડના અંદાજિત ખર્ચે નવો પુલ બનાવી આ પ્રશ્નનો નિવેડો લાવવાની જે દરખાસ્ત કરાઈ છે તે અંગે પ્રત્યાઘાતો આપતા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યોએ આ પ્રશ્નનો નિવેડો લાવવાની દિશામાં માગણી કરી છે. આ બાબતે નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ અને કારોબારી સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ વશીને તેમજ ચીફ ઓફિસર નિલકંઠભાઈ સહિતનાને પણ રજૂઆત કરાશે. ઉપરાંત ધારાસભ્યો નરેશભાઈ પટેલ અને સાંસદ સી.આર.પાટીલનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હાલમાં વેંગણીયા નદી પરના પુલની દરખાસ્ત કરાઈ છે તે અધૂરી છે અને એમાં ફેરફાર થવો જોઈએ એવી લાગણી સમગ્ર પ્રવર્તે છે.

માત્ર વેંગણીયા નદી ઉપર પુલ બાંધવાથી ચોમાસામાં પૂરની પરિસ્થિતિમાં એનો કંઈ જ ઉપયોગ નહીં રહેનાર હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. સમગ્ર માર્ગ સહજ થાય તો જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે તેવું તેઓ સ્પષ્ટ જણાવી રહ્યાં છે.

સરકારમાં નવા પુલ માટે દરખાસ્ત કરાઇ છે
ગણદેવી વેંગણીયા નદી પરનો નવો સૂચિત પુલ જકાતનાકાથી લઈને છેડે આવેલા ગ્રાઉન્ડના વડના ઝાડ સુધીનો રહેશે. વચમાં ગણપતિ વિસર્જન અને અન્ય કાર્યો માટે નીચે ઉતરવા પણ એક રસ્તો રાખવામાં આવ્યો છે. ગણદેવી નગરપાલિકાની હદ અહીં સમાપ્ત થતી હોય રેલવેના ગરનાળા અને પનિહારીનો પ્રશ્ન ગ્રામ પંચાયત વલોટીની હદમાં આવતો હોય એ બાબતે પણ હાલમાં ચર્ચા ચાલી રહી છે. ગણદેવી વેંગણીયા નદી પર નવો પુલ બાંધવાની દરખાસ્ત સરકારમાં પહોંચી ગઇ છે, જેનો અંદાજીત ખર્ચ 6 કરોડ આંકવામાં આવ્યો છે. > ધવલભાઈ રાઠોડ, ઈજનેર, ગણદેવી પાલિકા

ટેન્ડરની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે
પ્રોજેક્ટ મોટો છે એટલે 4 અલગ-અલગ કચેરીમાંથી તપાસણી થઈને મંજૂરી મળતી હોય છે. પ્રથમ ડિઝાઇન મંજૂર થાય જે ગાંધીનગર ડિઝાઇન સર્કલમાંથી મંજૂર થઈ ગઈ ત્યારબાદ તાંત્રિક મંજૂરી માટે બીલીમોરા, નવસારી, સુરત અને ગાંધીનગર માર્ગ અને મકાન કચેરી તાંત્રિક મંજૂરી આપે એના ટેન્ડરિંગ થાય. હાલ પ્રક્રિયા લાસ્ટ સ્ટેજ પર છે અને જલદીથી ટેન્ડર જાહેર થઇ જશે. > નીલકંઠભાઈ, ચીફ ઓફિસર, ગણદેવી પાલિકા

અન્ય સમાચારો પણ છે...