અનોખી શોધ:વલોટીના ડો. રિતેશકુમાર આર્યને એક્સેલન્ટ રિસર્ચર એવોર્ડ

ગણદેવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિઝેરિયનથી આવેલુ બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતું હોવાનું સંશોધન

ગણદેવી તાલુકાના વલોટીના મૂળ રહેવાસી અને હાલમાં મહેસાણા સ્થિત ગણપત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો. રિતેશકુમાર આર્યને ત્રણ દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં એક્સેલન્ટ રિસર્ચર એવોર્ડ એનાયત કરાયો હતો.

આ કોન્ફરન્સ ફૂડ એનાલિસ્ટ અસોસિયેશન ઓફ ઇન્ડિયા, એસોસિયેશન ઓફ એગ્રોમેટેરિયોલોજીસ્ટ અને એગ્રીકલ્ચર ટેકનોલોજી ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા શોભિત યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશમાં આયોજીત હતી. આ કોન્ફરન્સમાં ડો. રિતેશકુમાર આર્યએ ઇમ્પેકટ ઓફ ડાયેટ ઓન ધી કવોલીટી એન્ડ કવોન્ટીટી ઓફ માઇક્રોબિયલ પોપ્યુલેશન ઈન હ્યુમન કોલોસ્ટ્રોમ પર પોતાનું સંશોધન કાર્ય રજૂ કર્યું હતું. તેમણે પોતાના સંશોધનમાં સાબિત કર્યું કે માતાના પહેલા દુધમાં ઘણા બધા લેકિટક એસિડ બેક્ટેરીયા હોય છે. જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે માતાનો ખોરાક બાળકની રોગપ્રતિકારક શક્તિ ઉપર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ કોન્ફરન્સનું આયોજન 5થી 7 જૂન દરમિયાન કરાયું હતું. તેમના પિતા ગણદેવીમાં વન વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેમણે હાલમાં સામાન્ય ડિલિવરીની જગ્યાએ સિઝેરિયનથી ડિલિવરી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. કેટલીક મહિલાઓ મજબૂરીમાં તો કેટલી પ્રસવની પીડાથી બચવા માટે સિઝેરિયન કરાવતા હોય છે. આ સિઝેરિયન બાળકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર કરતું હોવાનું ડો. રિતેશના સંશોધનમાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સામાન્ય ડિલિવરીની જગ્યાએ સિઝેરિયન દ્વારા ડિલિવરી કરાવીને આવેલુ બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતું હોવાનું તેમના સંશોધનમાં આવ્યું છે.

મેડિકલ માઇક્રો બાયોલોજીના સંશોધક ડો. આર્યએ એમના આ સંશોધનમાં સિઝેરીયનથી જન્મેલા બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઓછી હોવાનું અને જેને લઇને તેઓ જલ્દી બીમાર પડી જતા હોવાનું અનુમાન મેળવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષોથી આ બાબતે તેઓ તેમનું સંશોધન આગળ ધપાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે કેટલીક હોસ્પિટલોના 60 થી પણ વધારે સિઝેરિયન અને સામાન્ય ડિલિવરી પામેલ બાળકોના સેમ્પલ લઇ સંશોધન કર્યું છે. તેમણે તેમના સંશોધનમાં સામાન્ય નોર્મલ ડિલિવરી માતાઓ માતાઓના સ્વાસ્થ્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે.

સામાન્ય નોર્મલ ડિલિવરી કરાવનારી માતાઓને દૂધમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો પ્રભાવ પ્રથમ છ દિવસ માટે વિશેષ જોવા મળ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. જ્યારે સિઝેરિયન ડિલિવરીવાળી માતાઓના દૂધ પ્રથમ છ દિવસ ઉપયોગી બેક્ટેરિયાનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે.

અન્ય સમાચારો પણ છે...